Mysamachar.in-જામનગર;
જામનગર જિલ્લા પંચાયતમાં લાંબા સમયથી શાસકપક્ષને કયાંય ચેન પડતું ન હતું કારણ કે, એક સામાન્ય અધિકારીને ‘ખાસ’ ગણી તેને ઘણી બધી સતાઓ આપી દેવામાં આવી હતી અને આ ખાસ અધિકારી આ સમય દરમ્યાન મનમાની કરતાં હતાં, એવી ફરિયાદ તથા રજૂઆત પણ થયેલી. હવે જિલ્લા પંચાયતમાં નવા હુકમ મુજબ નવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જો કે બીજી તરફ એક વાત એ છે કે, હાલની ચૂંટાયેલી પાંખની મુદ્દત આગામી ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે, પછી ‘વહીવટદાર’ શાસન આવી જશે કારણ કે, નવી ચૂંટણીઓ વિલંબથી થશે એમ હાલ દેખાઈ રહ્યું છે.
જામનગર જિલ્લા પંચાયતમાં ‘ભીમાણી’ અટકધારી અધિકારી પાસે અત્યાર સુધી ઘણી સતાઓ હતી. તે દરમ્યાન મનસ્વી વહીવટ બાબતે શાસકપક્ષને આ અધિકારી પ્રત્યે રોષ હતો, ફરિયાદ તથા રજૂઆત પણ થયેલી. આ બાબતે સામાન્ય સભામાં પણ ચર્ચાઓ થઈ હતી. ત્યારે ડીડીઓ પણ સભામાં મોજૂદ હતાં. ત્યારબાદ હવે ગઈકાલે 6 નવેમ્બરે ડીડીઓ દ્વારા અધિકારીઓ હસ્તકના કામો અને સતાઓની ફાળવણીનો નવો ઓર્ડર કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી વિકાસ શાખાના વડા, પંચાયત શાખાના વડા તરીકેની નાયબ ડીડીઓ તરીકેની જવાબદારીઓ અને સામાન્ય શાખાની કચેરીના વડા તરીકેની સતાઓ- આ બધું જ સંશોધન અધિકારી એ.એ.ભીમાણી હસ્તક હતું. એમના આ કાર્યકાળ દરમ્યાન જિ.પં.માં ખાસ કરીને શાસકપક્ષમાં ખૂબ જ નારાજગીઓ વ્યક્ત થઈ.અરે ત્યાં સુધી કે ઉપર સુધી એટલે કે ગાંધીનગર સુધી પણ રજુઆતો પહોચી હતી
હવે નવા ઓર્ડર મુજબ, નાયબ ડીડીઓ(પંચાયત) અને સામાન્ય શાખાના વડા તરીકેના વધારાના ચાર્જ ડી.એ.ઘેલાણીને સોંપવામાં આવ્યા છે. તેઓ હિસાબી અધિકારી તરીકેની પોતાની મૂળ જવાબદારીઓ પણ સાથે સંભાળશે.
આ ઉપરાંત વિકાસ શાખાના વડા તરીકેનો ચાર્જ પણ ભીમાણી પાસેથી લઈ મહેસૂલ વિભાગના નાયબ ડીડીઓ કુ.વી.આર.માકડીયાને મૂળ જવાબદારીઓ ઉપરાંત વધારાની કામગીરીઓ તરીકે સોંપવાનો હુકમ થયો છે. હવે ઘેલાણી અને માકડીયા પોતાના હસ્તકના આ બધાં જ વિભાગોમાં નાણાંકીય અને વહીવટી અધિકારો આ ચાર્જ દરમ્યાન ભોગવી શકશે.


