Mysamachar.in-સુરત:
સામાન્ય તસ્કરોની કહાની તો ઘણીવખત સામે આવતી હોય છે, પણ જોઇને કોઈને એવું ના લાગે કે આ તસ્કર છે તે માટે મૂળ જામનગર જીલ્લાના જોડીયાનો એક શખ્સ વેપારીનો સ્વાંગ રચી અને ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાણ કરતો અને ત્યાં જ મોટો હાથ મારતો હોવાનું સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા બાદ ખુલાસો થયો છે, જયપુરમાં આવેલ ક્લાર્કસ આમેર ફાઈવસ્ટાર હોટલમાં વેપારીના સ્વાંગમા રોકાણ કરી કરોડોની કિમતની ઘરફોડ ચોરીના રીઢા આંતરરાજ્ય ગેગના આરોપીને 2 કરોડની કિંમતના સોનાના ડાયમંડ જડીત ઘરેણાઓ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયા છે. ઉદયપુર અને જયપુર પોલીસ સ્ટેશનના બે ગુન્હા ડિટેકટ કરવામાં પોલીસને સફળતા મળી છે. ફાઈવ સ્ટાર હોટેલોમાં આયોજિત લગ્ન પ્રસંગ અને ફેશન શોમાં પ્રવેશ કરી ભીડભાડનો લાભ ઉઠાવી ચોરી કરતા હોવાની મોડ્સ ઓપરેન્ડી બહાર આવી છે.
ક્રાઈમ બ્રાંચની ટીમના જવાન પેટ્રોલિંગમાં હતા. બાતમીના આધારે દિલ્હી ગેટ પાસેથી શકમંદ આરોપી જયેશ રવજીભાઇ સેજપાલ (રહે બીર પદમાવતી એપાર્ટમેન્ટ મક્તાનંદ રોડ વાપી વેસ્ટ જી. વલસાડ મળગામ-જોડીયા જામનગર) ને પકડી પાડવામાં આવ્યો હતો. જેની પાસેથી 2 કરોડ રૂપીયાના સોનાના ડાયમંડ જડીત ઘરેણાઓ મળી આવ્યા હતાં. પૂછપરછમાં ઘરેણાં રાજસ્થાનની ક્લાર્કસ આમેર ફાઈવસ્ટાર હોટલમાં વેપારીના સ્વાંગમા રોકાણ કરી ચોરી કર્યા હોવાની કબૂલાત કરતા રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી આરોપીને જયપુર પોલીસને સોપવા તજવીજ શરૂ કરી છે.
ઝડપાયેલ શખ્સ ફાઇવસ્ટાર હોટલોમા વેપારી તરીકે રોકાઇ લગ્ન પ્રસંગ તથા પાર્ટી ફેશનમાં આવેલ લોકોની ભીડભાડમા ઉભો રહી આવતા જતા મહેમાનો સાથે ભળી જઇ તેમની વાતચીત પરથી તેમના નામ અને રુમ નંબર અંગેની માહીતી મેળવી. રીસેપ્શન કાઉન્ટર પરથી પોતે રૂમ બુક કરનાર બોલતો હોય તેમ રુમ નંબરની ચાવી માંગી તે રુમમા જઇ રૂમમાંથી લોકર ખોલવાનો પ્રયત્ન કરી લોકર ન ખુલે તો રૂમમાંથી રીસેપ્શન કાઉન્ટર પર ફોન કરી લોકરનો પીન નંબર ભુલી ગયો છુ. તેમ કહી હોટલ સ્ટાફને બોલાવી લોકર ખોલાવતો અને લોકર ખોલી તેમાંથી જે કઈ મળે તે ચોરી કરવાની ટેવ ધરાવે છે.