Mysamachar.in-ગાંધીનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓની ચેરિટી કચેરીઓ (ટ્રસ્ટ નોંધણી કચેરી) સહિત સમગ્ર રાજ્યની ચેરિટી કમિશનર કચેરીઓ આખું વર્ષ શું કામગીરીઓ અને કાર્યવાહીઓ કરે છે, તે અંગેની જાણકારીઓ આ કચેરીઓ દ્વારા લોકો સમક્ષ મૂકવામાં આવતી નથી તેથી સરેરાશ લોકોનો આ કચેરીઓ સંબંધેનો અભિપ્રાય ‘સારો નથી’. આ કચેરીઓની કામગીરીઓ ‘પારદર્શક’ નથી એવું હવે, સરકારને સમજાયું. આથી સરકાર હવે આ દિશામાં કશુંક પરિણામલક્ષી કામ કરવા ચાહે છે.
તાજેતરમાં પ્રધાનમંડળની ફરીથી રચના થઈ ત્યારે, કાયદો અને ન્યાય વિભાગના રાજ્યમંત્રીની જવાબદારીઓ કૌશિક વેકરીયાને સોંપવામાં આવી છે. આ વિભાગ હેઠળ આવતી રાજ્યની ચેરિટી કમિશનરની તમામ કચેરીઓમાં પારદર્શકતા લાવવા અને આ કચેરીઓની કાર્યક્ષમતા વધારવા મંત્રીએ આ વિભાગને સ્પષ્ટ સૂચનાઓ આપી છે અને જણાવ્યું છે કે, આ તમામ કચેરીઓની બધી જ કામગીરીઓ ઓનલાઈન કરવામાં આવે. આ માટે આ વિભાગને 35 કોમ્પ્યુટરની તાત્કાલિક ફાળવણી માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે, આ વિભાગમાં અધિકારીઓ અને અધિકારીઓ માટેના વાહનોની સંખ્યા જરૂરિયાતના પ્રમાણમાં ઓછી હોવાથી આ દિશામાં કામગીરીઓ માટે પણ વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે. નોંધનીય છે કે, હાલમાં આ વિભાગમાં એકાઉન્ટન્ટ/ઈન્સ્પેક્ટરનું સમગ્ર રાજયનું મહેકમ માત્ર 38 છે, જેને 3 ગણું વધારવા સૂચનાઓ આપવામાં આવી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ચેરિટી કમિશનરની માત્ર 8 પોસ્ટ છે, જે 33 જિલ્લાઓની કામગીરીઓ કરે છે,
આ મહેકમમાં 50 ટકાનો વધારો કરી કમિશનરની કુલ પોસ્ટ 12 કરવા માટેના ચક્રો ગતિમાન થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ કચેરીઓ હેઠળ નોંધાયેલા રાજ્યભરના હજારો ટ્રસ્ટોમાં અનેક પ્રકારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓ ચાલતી રહેતી હોવાનું સૂત્ર જણાવે છે, કારણ કે આ પ્રકારની સંસ્થાઓમાં નાણાં અને સ્થાવર સંપત્તિઓના સંખ્યાબંધ વ્યવહારો થતાં હોય, આ વ્યવહારોમાં અનેક પ્રકારની ‘બદી’ઓ આચરી શકવાની જગ્યાઓ હોય છે. બીજી તરફ આ વિભાગની કોઈ પણ કામગીરીઓ લોકો સમક્ષ આવતી ન હોય, એ બાબત પણ લોકોને શંકાઓ કરવા પ્રેરે તે સમજી શકાય તેવી બાબત છે.
























































