Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો ગત્ શનિવારથી સજ્જડ બંધ છે આથી આખા રાજ્યમાં દેકારો બોલી ગયો છે, એસોસિએશને સ્પષ્ટ કહી દીધું કે, ‘સરકારના અધિકારીઓ સાથે વાત નથી કરવી, પ્રધાન સિવાય કોઈની સાથે વાત કરવી નથી’. એસોસિએશનના આ વલણને કારણે મામલો હવે લંબાશે એવું દેખાઈ રહ્યું છે.
સસ્તા અનાજના દુકાનદારોની 20 જેટલી માંગ લાંબા સમયથી પડતર છે, સરકાર ઉકેલ લાવતી નથી અથવા લાવી શકતી નથી. દુકાનદાર અનેકવખત રજૂઆત કરી થાકી ગયા. આથી હવે એસોસિએશન આરપારના મૂડમાં છે. હડતાલ સજ્જડ જ રાખશે. ઝૂકશે નહીં. દુકાનો ખોલશે નહીં. રાજ્યની તમામ સસ્તા અનાજની દુકાનોના ધારકોના એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી છે. તેમણે આજે વડોદરામાં કહ્યું: હડતાલ યથાવત્ છે, સરકારના મંત્રી સિવાય કોઈની સાથે વાત નહીં કરીએ.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પૂરવઠા વિભાગના સચિવ મોના ખંધાર તથા અન્ય અધિકારીઓ, પ્રહલાદ મોદી અને એસોસિએશનના અન્ય હોદ્દેદારોની એક બેઠક અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી. આ બેઠક અંગે પ્રહલાદ મોદીએ કહ્યું કે, સરકાર ધમકીની ભાષામાં વાત કરે છે. અમે ઝૂકવાના નથી. જરૂર પડશે તો રાજ્યના બધાં જ દુકાનદારો રાજીનામા આપી દેશે. માંગણીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી દુકાનો ખૂલશે નહીં.
મહત્વપૂર્ણ બાબત એ છે કે, કમિશન વધારવા સહિતની બાબતોને લઈ દુકાનદારો હડતાલ પર છે અને સરકાર આટલાં સમયથી ઉકેલ લાવી શકી ન હોય, રાજ્યના પોણાં ચાર કરોડ લોકોને આ મહિનાનું સરકારી અનાજ મળી શક્યું નથી. અને આ અનાજ રેશનકાર્ડધારકોને ક્યારે મળશે, એ પણ નક્કી નથી. કારણ કે, આ વખતે દુકાનદાર એસોસિએશન ગમે તેમ કરી સરકાર પાસે ધાર્યુ કરાવવાના મૂડમાં છે. ઘણાં સમયથી સરકાર એસોસિએશનની માંગણીઓ પ્રત્યે ધ્યાન આપતી ન હોય, સમય વીતી જવાથી સરકાર અને એસોસિએશન વચ્ચેની આ ગાંઠ ‘કડક’ થઈ ગઈ છે, નજીકમાં કયાંય ઉકેલ દેખાતો નથી. બીજી તરફ કરોડો પરિવારો ઈચ્છે છે હડતાલ ખતમ થઈ જાય અને જલ્દી અનાજ મળે, કેમ કે એમના ચૂલા ઠરી ગયા છે.





