Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર હાલારમાં પવનચક્કી કંપનીઓ અને ખેડૂતો/ગ્રામજનો વચ્ચે, વર્ષોથી સતત વિવાદો ચાલતાં રહે છે અને સાથે નોંધપાત્ર બાબત એ છે કે, આ કંપનીઓ વિરુદ્ધની અનેક રજૂઆતો સરકારી કચેરીઓમાં ફાઇલોના બે પૂંઠા વચ્ચે ‘દબાયેલી’ પડી રહે છે, એવો જનસામાન્યનો અનુભવ છે, જેનો એક અર્થ એમ પણ થઈ શકે કે, કંપનીઓ ગાંધીનગરને પ્રિય છે ! આ સ્થિતિઓ વચ્ચે આવી વધુ એક રજૂઆત જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાંથી આવી.
લાલપુર પોલીસ મથકમાં ગત્ 4 નવેમ્બરના રોજ કરશન હાથલીયા નામના એક ખેડૂતે લેખિત રજૂઆત કરી. આ અરજદાર લાલપુર તાલુકાના ગલ્લા ગામના વતની છે અને ત્યાં ખેતીની જમીન ધરાવે છે. પરંતુ હાલ જામનગર વસવાટ કરે છે. તેમણે પોલીસને જાણ કરી કે, અમારી ઉપરોકત ખેતીની જમીનમાં ઓપેરા કંપનીના કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ રાત્રિના સમયે અમારી જમીનમાં મંજૂરી વિના પ્રવેશ કરી, ખેતીની જમીનને નુકસાન કરી ગયા. અને હાઈ ટેન્શન વીજલાઈન માટેના થાંભલાનું ફાઉન્ડેશન ભરી ગયા.
આ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર અમારી ખેડૂતની વાત સાંભળતા નથી અને એમ કહે છે કે, ઓપેરા કંપનીની ઓફિસે વાત કરો અથવા પોલીસમાં ફરિયાદ કરો, કામ તો ચાલુ જ રહેશે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, અમારી ગ્રામ પંચાયતે આ કંપનીને બે વખત નોટિસ પણ આપી છે. આ કંપનીએ આ કામગીરીઓ કરવા ગ્રામ પંચાયતની કોઈ જ મંજૂરીઓ લીધી નથી. કંપની પંચાયતની નોટિસને પણ દાદ આપતી નથી.
કરશનભાઈએ આ રજૂઆતમાં વધુમાં કહ્યું છે કે, આ કંપનીની આખા લાલપુર તાલુકામાં ‘રાડ’ છે. કંપની 33 KVની વીજલાઈન પાથરે છે, વાડીખેતરોમાં થાંભલા લગાવે છે. નિવૃત ફૌજીની જમીનમાં પણ કંપની દાદાગીરી કરે છે. કરાણસ ગામના સરપંચને પણ ધમકાવે છે. લાલપુર પોલીસમાં આ સંબંધે ગુનાઓ પણ દાખલ થયેલાં છે. આ રજૂઆતમાં અંતમાં એમ પણ જણાવ્યું છે કે, પીજીવીસીએલ પણ કહે છે કે, આ કંપનીની વીજલાઈન ગેરકાયદેસર છે.! અત્રે ઉલ્લેખનિય છે કે, આ માત્ર લાલપુર તાલુકાનો જ પ્રશ્ન નથી. કાલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આવી બબાલો ચાલતી રહે છે. કોઈ આવી કંપનીઓનું કશું ‘બગાડી’ શકતું નથી- રેકર્ડ ઉપરની હકીકત આ છે !(symbolic image)


