Mysamachar.in-
કમોસમી વરસાદને કારણે જામનગર-હાલાર સહિત સમગ્ર રાજ્યમાં ખેતીને થયેલાં નુકસાનનું ખરૂં ચિત્ર મેળવવા સરકારે હાથ ધરેલી સર્વેની કામગીરીઓ જામનગર જિલ્લામાં પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું ખેતીવાડી વિભાગે જણાવ્યું છે. આજે સવારે Mysamachar.in દ્વારા આ કામગીરીઓની સત્તાવાર વિગતો મેળવવાના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી અધિકારી રિતેશ ગોહિલનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો, એમણે આ સંબંધે વિગતો આપી છે.
ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર, ગઈકાલે રવિવારની રજાના દિવસે પણ સર્વેની કામગીરીઓ ચાલુ રાખવામાં આવી હતી અને રવિવારની સાંજ સુધીમાં જિલ્લાના તમામ 418 ગામોમાં તલાટી સહિતના કર્મચારીઓની મદદથી આ કામગીરીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને સરકારને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં નુકસાનગ્રસ્ત તમામ ખેડૂતોનો સર્વેમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આગામી સમયમાં ખેડૂતોની નુકસાન અંગેની અરજીઓના આધારે આગળની કાર્યવાહીઓ કરવામાં આવશે અને તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સરકાર દ્વારા સહાય ચૂકવી આપવામાં આવશે. જો કે, જિલ્લામાં કુલ કેટલાં ખેડૂતોના નુકસાનનો સર્વે થયો એ આંકડો ખેતીવાડી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી.(file image)





