Mysamachar.in-
સ્પાયવેર એક પ્રકારનો સોફ્ટવેર પ્રોગ્રામ છે, જે તમારા કમ્પ્યુટર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ સોફ્ટવેર હેકર્સ દ્વારા કમ્પ્યુટરમાંથી પર્સનલ ડેટા ચોરી કરવા માટે બનાવવામાં આવેલો પ્રોગ્રામ છે. હેકર્સની ભાષામાં માલવેર શબ્દનો ઉપયોગ વાયરસ, સ્પાયવેર અને વોર્મ વગેરે માટે થાય છે. આ ત્રણેય વાયરસના સ્વરૂપો છે. સ્પાયવેર તમારી પ્રાઈવેટ ફાઇલોને ઍક્સેસ કરી શકે છે અને તેને અન્ય ડિવાઇસમાં પર ટ્રાન્સફર કરી શકે છે. આના દ્વારા હેકર્સ તમારી માહિતી, ફોટા, વીડિયો, બેંક એકાઉન્ટની માહિતીની ચોરી કરી શકે છે.
સ્પાયવેર એટેકના કારણોની વાત કરીએ તો કમ્પ્યુટર પર સ્પાયવેર એટેક થવાનાં ઘણાં કારણો છે. આનું સૌથી મોટું કારણ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવું છે. તમે જેટલું વધુ ડાઉનલોડ કરશો, તેટલું જ સ્પાયવેરનું જોખમ વધારે છે. સ્પાયવેર વાયરસ આપણે ઇન્ટરનેટ પરથી લઈએ છીએ તે ફાઈલો, ફોટો, વીડિયો અથવા ગીતો દ્વારા સરળતાથી આપણા ડિવાઇસ સુધી પહોંચે છે. ઘણી વખત કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલાં રીમૂવેબલ ડિવાઇસ પણ સ્પાયવેરનું કારણ બની જાય છે. જો તમે તમારી સિસ્ટમમાં પેન ડ્રાઇવ અથવા મેમરી કાર્ડ લગાવો છો જેમાં પહેલાથી જ વાયરસ છે, તો તે તમારી સિસ્ટમ સુધી પહોંચી જાય છે જે ખતરનાક સાબિત થઈ શકે છે.
સ્પાયવેર વાયરસ જો તમારા ડિવાઇસમાં હોય તો તેના લક્ષણો પણ તમને નજર આવશે જેમ કે જો તમારા ફોનની બેટરી અસામાન્ય રીતે ઝડપથી ખતમ થવા લાગી હોય, તો તે સ્પાયવેર હોવાનો સંકેત બની શકે છે. કારણ કે આવા સોફ્ટવેર ફોનના એવા ફિચર્સનો સતત ઉપયોગ કરે છે, જેનાં કારણે બેટરી વધુ ઝડપથી ખતમ થાય છે. સ્પાયવેર માત્ર બેટરી જ નહીં, પણ ફોનનો ઇન્ટરનેટ ડેટા પણ વાપરે છે. જો તમે ધ્યાન આપો કે તમારો મોબાઇલ ડેટા અચાનક વધુ ઝડપથી ખતમ થવા લાગ્યો છે, તો સાવચેત રહેવું જરૂરી છે.જો તમે કોઈ એપ કે ફિચર્સનો ઉપયોગ ન કરી રહ્યાં હોવ છતાં તમારા ફોનમાં માઇક, સ્પીકર અથવા રેકોર્ડિંગ દેખાવા લાગે, તો તે સ્પાયવેર હોવાનો એક મોટો સંકેત બની શકે છે.
સાયબર ગુનેગારો સ્પાયવેરની મદદથી તમારી ખાનગી માહિતી ચોરી શકે છે અને પછી તે માહિતી લીક કરવાની ધમકી આપી પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કરી શકે છે. ખાસ કરીને, જો તમે ઈ-બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરો છો, તો તેઓ તમારા બેંક ખાતા સાથે સાયબર છેતરપિંડી પણ કરી શકે છે.
સ્પાયવેર સામે રક્ષણ આપવાની રીતોની વાત કરીએ તો, ફક્ત વિશ્વસનીય વેબસાઇટ્સ પરથી ગીતો અથવા ફોટો વગેરે ડાઉનલોડ કરવા જોઈએ. તમારે આ માટે કેટલાક પૈસા ચૂકવવા પડી શકે છે, પરંતુ તે તમારી સિસ્ટમ માટે સારું રહેશે. જો તમારી સિસ્ટમમાં એન્ટી-સ્પાયવેર અથવા એન્ટી-વાયરસ નથી, તો તેને તરત જ ઇન્સ્ટોલ કરો. સમયાંતરે તમારી સિસ્ટમના એન્ટી-વાયરસને અપડેટ કરતાં રહો. તે પણ બતાવશે કે એન્ટી વાયરસ યોગ્ય રીતે કામ કરી રહ્યો છે કે નહીં. પાસવર્ડ સાથે તમારા મહત્વપૂર્ણ ડેટાને સુરક્ષિત કરો, જેથી તે સરળતાથી ચોરી અથવા હેક ન થઈ શકે. તમે જે પાસવર્ડ સેટ કર્યો છે તે અંકો અને અક્ષરો બંનેનો ઉપયોગ કરવો જોઈએ. તમારા પીસીમાં ફાયરવોલ ઇન્સ્ટોલ કરો. ફાયરવોલ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ વચ્ચે સુરક્ષા દિવાલની જેમ કાર્ય કરે છે. તેને હંમેશા ચાલું રાખવું જોઈએ. અજાણી લીંક કે ફાઈલો ડાઉનલોડ ન કરવી જોઈએ.


