Mysamachar.in-સુરત:
રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલા યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે,ચોતરફ તેની ચર્ચાઓથી અમુક લોકો રીતસરના કંટાળ્યા છે, આપણે જોયું હશે કે, ક્રિકેટ હોય કે રાજનીતિ, યુદ્ધ હોય કે અન્ય કંઈ પણ વિષય પર લોકો સૌથી વધુ પાનના ગલ્લે કે ચોકે ચર્ચા કરતા હોય છે. ત્યારે સુરતના કીમમાં આવેલ એક પાનની દુકાન આવેલી છે, ત્યારે દિવસભર આવતા ગ્રાહકો માટે એક નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું છે. આ બોર્ડમાં દુકાનદારે લખ્યું છે- “અહીંયા કાઉન્ટર પાસે ઉભા રહીને યુદ્ધની વાતો કરવી નહીં.”.આ વિશે મળતી માહિતી પ્રમાણે કીમ વિસ્તારમાં આવેલી એક પાનના ગલ્લાના દુકાન માલિકે યુદ્ધની વાતોથી કંટાળીને લોકોને વિનંતી સાથે બોર્ડ માર્યું છે. જેમાં હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યું છે.
બોર્ડમાં ગલ્લાના માલિકે જણાવ્યું છે કે, અહીંયા કાઉન્ટર પાસે ઉભા રહીને યુદ્ધની વાતો કરવી નહીં. જ્યારે આ બોર્ડ વિશે દુકાનદારે જણાવ્યું છે કે, અહીં આખા દિવસમાં અનેક ગ્રાહકો આવે છે અને યુદ્ધની વાતો કરે છે. જેમાં બન્ને દેશોએ શું કરવું જોઈએ તેના પર વિચાર વિમર્શ કર્યા કરે છે. જેના કારણે હું કંટાળી ગયો છું. જેથી મારે આ બોર્ડ મારવું પડ્યું છે.કીમ વિસ્તારમાં લગાવેલા આ બોર્ડની ચર્ચા સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઇ છે અને આ બોર્ડના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે જેના પર યૂઝર્સ પોતાના પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સોશિયલ મીડિયામાં યુદ્ધની સાથે આ બોર્ડની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. સાથે જ લોકો આ ફોટો પર મિમ પણ બનાવી રહ્યા છે.