Mysamachar.in-ભાવનગર:
બાંધકામ ક્ષેત્રમાં રુદ્ર TMT બ્રાન્ડના લોખંડના સળિયાનું નામ જાણીતું હોય 2 શખ્સોએ આ નામથી લોખંડના નકલી બ્રાન્ડના સળીયા વેચવાનું કૌભાંડ આચરતા, આ શખ્સો વિરુદ્ધ CID ક્રાઈમમાં ફરિયાદ દાખલ થઈ છે. CID ક્રાઈમની રાજકોટ શાખાએ આ મામલામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ભાવનગરના કાળીયાબીડમાં કાર્યરત રુદ્ર ગ્લોબલ ઈન્ફ્રા પ્રોસમાં મીડિયા અને એડવર્ટાઈઝીંગ વિભાગના હેડ તરીકે ફરજ બજાવતા અને અમદાવાદ ખાતે રહેતાં આદિત્ય અમરીશ નાગરે રાજકોટ ઝોન CIDમાં એક ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદમાં આરોપીઓ તરીકે અમદાવાદના કનૈયાલાલ તુલસીદાસ પટેલ અને યામીન મહમદભાઈ ગાંજાના નામો જાહેર થયા છે.
આ શખ્સો વાંકાનેર તાલુકાના જાલીડા ગામે અજય સ્ટીલ ફેકટરીના નામે ધંધો કરે છે. જ્યાં રુદ્ર TMT બારની બ્રાન્ડ ધરાવતા લોખંડના નકલી સળીયાનું ઉત્પાદન કરવામાં આવે છે, આ બાબત તપાસમાં ખૂલી છે. આથી CID ક્રાઈમએ આ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી, આ ફેકટરીમાંથી રૂ. 32.30 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. લોખંડના આ સળીયાના જથ્થા પર રુદ્ર TMT બારના નકલી રેપર પણ મળી આવ્યા છે. આ મામલાએ બાંધકામ ક્ષેત્રમાં ચકચાર મચાવી છે.