Mysamachar.in-સુરત:
આજના સમયમાં આપણે જો સતર્ક ના રહીએ તો આપણી આસપાસ કેટલાય એવા શાતીર દિમાગ શખ્સો હોય છે, જે યેનકેન પ્રકારે કોઈની પણ સાથે છેતરપીંડી કરી શકે છે, વાત સુરત શહેની છે જ્યાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં એટીએમ સેન્ટરમાં લોકોને વાતોમાં ભોળવી મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પિન નંબર જાણી એટીએમ કાર્ડ બદલી લોકોના ખાતા સાફ કરનાર શખ્સને એસઓજીએ ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ સાથે જ પાંચ ગુનાના ભેદ ઉકેલવામાં પોલીસ સફળ થઈ છે. પોલીસે આરોપી પાસેથી અલગ અલગ બેંકના 39 એટીએમ કાર્ડ, રોકડા 22300 અને મોબાઈલ મળી કુલ રૂપિયા 26300નો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસે તેના બેંક એકાઉન્ટ બાબતે તપાસ કરતા એકાઉન્ટમાંથી 2,53 000નું બેલેન્સ મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવા જતા ગરીબ અને શ્રમજીવીને એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડી આપવામાં મદદ કરવાને બહાને અજાણ્યા ઈસમ દ્વારા પીન નંબર જાણી લીધા બાદ વાતોમાં ભોળવી એટીએમ કાર્ડ બદલી નાંખતો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ ખાતામાંથી પૈસા ઉપાડી છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી. આ તમામ ફરિયાદમાં ચિટિંગની મોડ્સ ઓપરેન્ડી એક જ પ્રકારની હતી.ભેજાબાજ આરોપી દ્વારા તમામ ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકાને લઈ તપાસ હાથ ધરાઈ હતી.
સંતોષ ઉર્ફે રોશન ચંદ્રભાન યાદવ (૨હે, ડિંડોલી એસએમસી આવાસ)ને ઝડપી પાડ્યો હતો. એસઓજીએ સંતોષ પાસેથી અલગ અલગ બેંકના 39 એટીએમ કાર્ડ, રોકડા 22300 મોબાઈલ મળી કુલ રૂપિયા 26300ની મતા કબજે કરી હતી. સંતોષની પૂછપરછમાં મહિધરપુરા, પાંડેસરા, ઉધના અને લિંબાયતમાં નોધાયેલા ગુનોનો ભેદ ઉકેલાયો હતો.સંતોષ ઉર્ફે રોશનની ધરપકડ કરી હાથ ધરેલી પુછપરછમાં અલગ અલગ બેંકના એટીએમ સેન્ટર ઉપર વોચ ગોઠવતો હતો. અને પૈસા ઉપાડવા માટે આવતા મજુર વર્ગના ગરીબ અને એટીએમ બાબતે ઓછુ જ્ઞાન ધરાવતા વ્યકિતને ટાર્ગેટ કરી તેના નજીક ઉભો રહી જતો હતો. ત્યારબાદ તેને વાતોમાં ભોળવી પહેલા વ્યક્તિને એટીએમ પાસવર્ડ જોઈ લીધા પછી મદદ કરવાના બહાને પોતાની પાસેનું એટીએમ કાર્ડ બદલી નાંખતો હતો.અને આ રીતે તે દરરોજના બે-ત્રણ વ્યક્તિને નિશાન બનાવતો હતો.