Mysamachar.in-અમદાવાદ:
કમોસમી વરસાદ સૌરાષ્ટ્ર ગુજરાતનો કેડો મૂકતો નથી. પાછલાં 10 વર્ષ દરમ્યાન કયારેય ઓક્ટોબરમાં ન વરસ્યો હોય એટલો વરસાદ આ વરસે નોંધાયો. અને આજે ઓક્ટોબર માસનો છેલ્લો દિવસ હજુ પસાર થયો નથી એ પહેલાં નવેમ્બર માસ માટે પણ હવામાન વિભાગની નવી આગાહી આવી ગઈ ! નવેમ્બરના પ્રથમ સપ્તાહ દરમ્યાન ગુજરાતનું આકાશ વરસશે એમ હવામાન વિભાગ કહે છે.
 
ભારતીય હવામાન વિભાગની ગુજરાત શાખા કહે છે: આગામી 6 નવેમ્બર સુધી, ગમે ત્યારે રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. 6 તારીખ સુધીની આગાહીમાં દરેક દિવસ માટે હવામાન વિભાગે અલગથી પૂર્વાનુમાન જાહેર કર્યું. જેમાં જણાવાયું છે કે, જામનગર શહેર જિલ્લામાં 3 નવેમ્બર સુધીના દિવસોમાં રોજ અથવા ક્યારેક વરસાદની સંભાવનાઓ છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 6 તારીખ સુધી રોજ અથવા ક્યારેક ક્યારેક વરસાદની શકયતાઓ છે. હવામાન વિભાગે આ નવી આગાહી ગઈકાલે ગુરૂવારે સાંજે 6 વાગ્યે જાહેર કરી, જેમાં 6 નવેમ્બર સુધીની આગાહીઓ છે.
 
જે જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે એ યાદીમાં જામનગર ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ સહિતના સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ જિલ્લાઓનો સમાવેશ થાય છે. હવામાન વિભાગ એમ પણ કહે છે કે, આગામી 3 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, બાદમાં ફેરફાર થઈ શકે. આ ઉપરાંત કહ્યું છે કે, લઘુતમ તાપમાનમાં સાતેક દિવસ સુધી ફેરફારની શકયતાઓ નથી.
 
								
								
																
															 
			 
                                 
					
 
                                 
                                



 
							 
                