Mysamachar.in-અમદાવાદ:
નાગરિકના આધારકાર્ડ સાથે અનેક સરકારી લાભો અને અન્ય વ્યવસ્થાઓ સંકળાયેલી હોય, આ એક અતિ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે પરંતુ અફસોસની વાત એ પણ છે કે, આધારકાર્ડના સંદર્ભમાં લાખો કરોડો નાગરિકો કેટલાંયે પ્રકારની અસુવિધા અને સમસ્યાઓ અનુભવે છે આમ છતાં નાગરિકની સુવિધાઓ માટે સ્થાનિક સ્તરો પર જવાબદાર તંત્રો ‘હોતી હૈ, ચલતી હૈ’ જેવી માનસિકતા ધરાવે છે તેથી અદાલતે આ બાબતે કેટલીક કઠોર સ્પષ્ટતાઓ કરવી પડી છે.
એક વૃદ્ધા કે જેમની ઉંમર 74 વર્ષની છે અને તેણી વિધવા છે. આ વૃદ્ધા આધારકાર્ડ અપડેશન માટે પરેશાન થતાં હતાં કારણ કે, આધારકાર્ડ અપડેશન કેન્દ્ર એમના રહેણાંકથી ખૂબ દૂર છે. આ મામલો વડી અદાલતમાં પહોંચી ગયો. અદાલતે આધારકાર્ડ ઓથોરિટીને કેટલીક બાબતો કઠોર રીતે કહેવી પડી. અદાલતે સાથે એમ પણ કહ્યું કે, આધારકાર્ડ અપડેશન નાગરિકનો મુળભુત અધિકાર છે.
અદાલતે આધારકાર્ડ ઓથોરિટી UIDAIને એમ કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ માટે પોતાનું આધારકાર્ડ અપડેટ કરવું એ તેમનો મુળભુત અધિકાર છે. આ વ્યક્તિનો બંધારણીય હક્ક છે. એવામાં આધાર ડેટામાં જરૂરી ફેરફાર માટે લોકોને સ્થાનિક કક્ષાએ સુવિધાઓ ઉપલબ્ધ થવી જોઈએ. ઓથોરિટીએ નિશ્ચિત કરવું જોઈએ કે, આ કામગીરીઓ માટે લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ પડવી જોઈએ નહીં.
આધારકાર્ડ દ્વારા જે લાભ મળે છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે. આથી આધારકાર્ડ બનાવવામાં કે તેમાં અપડેશન કરાવવા સંબંધે નાગરિકને કોઈ તકલીફ ન પડવી જોઈએ. જો લોકોને મુશ્કેલીઓ પડશે તો તે ખોટું કહેવાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આધારકાર્ડ સંબંધે ઘણાં બધાં લોકોને ઘણી બધી તકલીફો સહન કરવી પડી રહી છે.


