Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતી સહિતની ભારતીય પરંપરાઓમાં લગ્નજીવન અને પરિવારજિવન એક અદકેરૂં સ્થાન ધરાવે છે પરંતુ રેકર્ડ પરની કેટલીક હકીકતો વડીલો અને સમાજશાસ્ત્રીઓ માટે ચિંતાઓ ઉપજાવનારી બની રહી છે. ઈશ્વર સ્વર્ગમાં ‘જોડી’ બનાવીને નીચે મોકલે છે એમ માનનારા સમાજમાં કેટલાંયે ‘કજોડા’ નાછૂટકે સાથે જિવતાં રહે છે અને કેટલીયે જોડી અલગઅલગ કારણોસર તૂટી રહી છે. સમાજની વરવી વાસ્તવિકતાઓ અંગે ખુદ સમાજ પણ બધું જાણે છે.
તાજેતરમાં વિવિધ રાજ્યોમાં કાર્યરત ફેમિલી કોર્ટમાં ચાલતાં કેસની સંખ્યાઓ જાહેર થઈ. જેમાં ગુજરાતના આંકડા પણ નોંધપાત્ર છે. વર્ષ 2023માં ગુજરાતમાં આ અદાલતોમાં 27,194 કેસ દાખલ થયા. અને એક જ વર્ષમાં એટલે કે, 2024માં આ આંકડો 62,146 થઈ ગયો. લગભગ 2.33 ગણો આંકડો થઈ ગયો. એક જ વર્ષ દરમ્યાન ફેમિલી કોર્ટમાં વધુ કેસ દાખલ થયા હોય એવા રાજ્યોમાં દેશમાં ગુજરાત ચોથા ક્રમે છે ! ગુજરાતમાં દરરોજ સરેરાશ 170 ‘જોડી’ અદાલતના પગથિયા ચડી જાય છે. વર્ષ 2024ના અંતે ગુજરાતની ફેમિલી કોર્ટ્સમાં 51,999 કેસ પડતર છે.
જાણકારો કહે છે, ઘણાં બધાં કેસમાં દંપતિ વચ્ચેની નાની તકરારો મોટું સ્વરૂપ ધારણ કરે છે, વાત છૂટાછેડા સુધી પહોંચે છે. દંપતિમાં સમજણસેતુ સતત નબળો પડી તૂટી રહ્યો છે. પતિ અને પત્ની ખુદનો અહમ છોડવા રાજી નથી. વટ સૌને ગમે છે. નમતું જોખી સંબંધ ટકાવી રાખવાની માનસિકતા ઘટી રહી છે. લગ્ન બહારના સંબંધ વધી રહ્યા છે. ઘણાં મોબાઈલ ‘આગ’ લગાડી રહ્યા છે. મહિલા સશક્તિકરણના દૌરની અસરો પણ દેખાઈ રહી છે. પતિ પીડિત હોય, એવા કેસ પણ નોંધપાત્ર છે.
મહિલાઓ અને પુરૂષોની priorities સમયના વહેવા સાથે બદલાઈ રહી છે. મોબાઈલને કારણે દંપતિ વચ્ચે તથા વ્યક્તિગત રીતે પણ તણાવ વધી રહ્યા છે. ઘણાં લોકો હતાશાનો અહેસાસ કરી રહ્યા છે. ઘણાં પાત્રોની મહત્વાકાંક્ષા ભડકી રહી છે. કોરોનાકાળ બાદ મોજશોખ વધી ગયા છે. સાસરિયાનું વાતાવરણ પણ ઘણી મહિલાઓને અકળાવે છે. શિક્ષિત વર્ગમાં પણ આવા કેસની સંખ્યા નોંધપાત્ર છે.
40-50 વચ્ચેની વયજૂથના લોકોએ છૂટાછેડાની અરજીઓ કરી હોય તેવા કેસની સંખ્યાઓ 30-40 ટકા જેટલી મોટી રહે છે. શહેરોની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે જે કેસ દાખલ થઈ રહ્યા છે તેમાં 50-65 ટકા જેટલાં પુરૂષો ‘પીડિત’ તરીકે અરજીઓ કરી રહ્યા છે. ટૂંકમાં, આપણી લગ્નસંસ્થા અને સહજિવનના પાઠ અગાઉ જેટલાં મજબૂત રહ્યા નથી.(પ્રતિકાત્મક તસ્વીર)
			
                                
                                
                                
                
