Mysamachar.in-જામનગર:
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં, શહેરના એકત્ર કરવામાં આવેલા કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ, મહાનગરપાલિકાના સહયોગથી ખાનગી કંપની ચલાવી રહી છે. આ પ્લાન્ટ તાજેતરમાં 10 મહિના બંધ રહ્યા બાદ હાલ ફરીથી શરૂ થઈ ગયો છે. જો કે, સાથે જ એક પ્રશ્ન સપાટી પર આવી ગયો.
આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દસેક મહિના બંધ રહ્યો. મહાનગરપાલિકા આ સમયગાળા દરમ્યાન કંપનીને 2 નોટિસ આપવાથી વધુ કશુ કરી શકી નહીં. દરમ્યાન, ગત્ બીજી જાન્યુઆરીએ કંપનીએ પોતાની અનુકૂળતા અને પોતાના એજન્ડા મુજબ પ્લાન્ટ ફરી શરૂ કરી દીધો.!!
અત્રે ઉલ્લેખનિય છે કે, અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, મહાનગરપાલિકાએ આ કંપનીને 2 નોટિસ આપી પરંતુ તે પછી અન્ય કોઈ કડક કાર્યવાહીઓ થઈ નહીં. એ દરમ્યાન એવી ‘ગોઠવણ’ થઈ કે કંપની એક વખત ગાંધીનગર સરકારને ‘મળી’ લ્યે. કંપનીએ સરકારને ‘મળી’ લીધું. ગાંધીનગરથી કહેવાયું હશે કદાચ, કે માથે ચૂંટણીઓ છે. પ્લાન્ટ ચાલુ કરી દો, ઉહાપોહ ટળે. અને કંપનીએ પ્લાન્ટ ફરી શરૂ કરી દીધો.
-અત્યાર સુધીનું નુકસાન કોના ખાતે ઉધારવું ?! એ પ્રશ્ન ઠેરનો ઠેર !..
આજે સવારે આ પ્લાન્ટ સંબંધે Mysamachar.in દ્વારા મનપાના સોલિડ વેસ્ટ વિભાગના નાયબ ઈજનેર કેતન કટેશિયાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો. એમણે જણાવ્યું કે, પ્લાન્ટ ફરી શરૂ થઈ ગયો એ બાબત શહેરના કચરાના નિકાલ બાબતે સારી વાત છે. દરમ્યાન, એમને પૂછવામાં આવ્યું કે, દસેક મહિના આ પ્લાન્ટ બંધ રહ્યો, તે દરમ્યાન મહાનગરપાલિકાએ કચરા નિકાલ માટે અન્ય એજન્સીની મદદ લઈ કચરો ગુલાબનગર ડમ્પિંગ સાઈટ પર મોકલવો પડ્યો, જેને કારણે મહાનગરપાલિકાએ પ્રજાની તિજોરીમાંથી વધારાની તોતિંગ રકમ આ અન્ય એજન્સીને આપવી પડી, એ નુકસાન કોના ખાતે ઉધારવાનું ? અને, આ રીતે કંપની પોતાની મનમાની કરી શકે ? મન પડે ત્યારે પ્લાન્ટ ચાલુ અને મન પડે ત્યારે બંધ ! આ મનમાની સંબંધે નાયબ ઈજનેરે જણાવ્યું કે, કંપની વિરુદ્ધ આ બાબતે કોઈ કાર્યવાહીઓ થઈ શકે કે કેમ, એ અંગે મહાનગરપાલિકાના કાનૂની વિભાગ પાસેથી અભિપ્રાય મેળવવામાં આવશે.





















































