Mysamachar.in-સુરત:
આજના સમયમાં લોકો કોઈપણ ચીજવસ્તુઓની ખરીદી અને વેચાણ માટે સોશ્યલ સાઈટસનો સહારો લેતા હોય છે, પરંતુ આવી સાઈટો અને તે સિવાય પણ કેટલાક લેભાગુ લોકો સક્રિય થયા છે અને લોકોને પોતાની જાળમાં ફસાવી તેમની સાથે છેતરપિંડી કરી રહયા છે. આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ડ્રાયફુટ વેચવાની જાહેરાત મુકી ઓર્ડર પેટે એડવાન્સમાં રૂ.14,58,490 મેળવી છેતરપીંડી કરનાર આરોપીને સાઇબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો હતો.એક લોભામણી સ્કીમનો ભોગ સુરતનો યુવાન બન્યો છે. વાત જાણે એમ છે કે એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી સુધીરભાઇ તરીકેની ખોટી ઓળખાણ આપી આ કામના ફરીયાદીને કાજુ એલ.બલ્યુ.પી. એટલે કાજુના ટુકડા માર્કેટ ભાવ કરતા ઓછા ભાવમાં આપવાની લોભામણી લલચામણી વાતો કરી હતી. જેથી ફરિયાદીએ શરૂઆતના સમયે બે ડબ્બા મંગાવ્યા હતા.
બાદમાં તેઓએ ટુકડે ટુકડે 354 ડબ્બા 3,540 કીલોનો ઓર્ડર આપ્યો અને તે ઓર્ડર પેટે તેઓએ ટુકડે ટુકડે કુલ રૂ.14,58,490 તેમના બે પેઢીના નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જો કે રૂપિયા મળ્યા બાદ પણ સુધીરે માલ મોકલાવ્યો ન હતો. સુધીર દ્વારા અવારનવાર બહાના કાઢી તેમને કાજુની ડિલિવરી કરતો ન હતો. બાદમાં આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા તેઓએ તપાસ શરૂ કરી હતી.દરમિયાન સાઈબર ક્રાઇમ દ્વારા અમદાવાદથી સુધીરની અટકાયત કરવામાં આવી હતી. જો કે પોલીસ પૂછપરછમાં એક ચોંકાવનારી વાત બહાર આવી હતી. જેમાં સુધીરનું નામ ખોટું હોવાનું બહાર આવ્યું હતું તેનું ખરું નામ દિપેશ મકવાણા હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.