Mysamachar.in-
શિક્ષક વિદ્યાર્થીઓ સાથે સારી રીતે વાતચીત કરે તો વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સુંદર વાતાવરણ સર્જાતું હોય છે અને તેથી વિદ્યાર્થીઓને ભણવાની પ્રક્રિયાઓમાં ‘લાભ‘ થતો હોય છે. આ જ બાબત આરોગ્યના ક્ષેત્રમાં પણ ઉપયોગી પૂરવાર થઈ શકે એમ માનતી સરકાર હવે તબીબો અને આરોગ્ય કર્મચારીઓને ‘બોલતાં‘ શીખવશે.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં અસંખ્ય વખત સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના પરિવારજનો અને તબીબો-પેરા મેડિકલ સ્ટાફ અથવા હોસ્પિટલોના કર્મચારીઓ વચ્ચે જુદાજુદા કારણોસર ઝઘડા થતાં હોય છે. ખાસ કરીને, સરકારી હોસ્પિટલોમાં કેટલાંક કિસ્સાઓમાં ડોકટરોનું અથવા તબીબી છાત્રોનું વર્તન યોગ્ય નથી હોતું અને સંખ્યાબંધ કિસ્સાઓમાં પેરા મેડિકલ સ્ટાફ અથવા હોસ્પિટલોના કર્મચારીઓ દર્દીઓના પરિવારજનો સાથે લડી પડતાં હોય છે, ઘણાં કર્મચારીઓ તોછડું વર્તન કરતાં હોય છે, બોલવામાં તુમાખી દેખાડતાં હોય છે. આવા સમયે ચિંતાઓમાં ડૂબેલાં દર્દીઓના પરિવારજનોને સ્ટાફ સાથે ઝઘડા પણ થતાં હોય છે. આ બધી બાબતોનો સરકારે ઉપાય શોધી કાઢ્યો છે. ડોક્ટર્સ વગેરેને ‘બોલતાં‘ શીખવવામાં આવશે. ટંગ એટલે કે જિભનું મેનેજમેન્ટ શીખવવામાં આવશે.
રાજ્યના આરોગ્ય વિભાગે આરોગ્ય કર્મચારીઓનું વર્તન અને તેમના બોલવાની રીતભાત એટલે કે ટંગ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું આરોગ્ય વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ જણાવ્યું છે. તેમણે કહ્યું: સરકારી આરોગ્ય વ્યવસ્થાઓ હોય કે ખાનગી, દર્દીઓ અને તેમના પરિવારજનો સાથેનું આરોગ્યકર્મીઓનું વર્તન મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ કર્મચારીઓ દર્દીઓ તથા પરિવારજનો સાથે આત્મીય વ્યવહાર કરે તો દર્દીઓનો આત્મવિશ્વાસ વધતો હોય છે, જેને કારણે દર્દીઓની સાજા થવાની પ્રક્રિયાઓ ઝડપી બનતી હોય છે. આથી આરોગ્ય સેવાઓમાં ટંગ મેનેજમેન્ટ પર ધ્યાન આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક મહિલા તબીબે જે વર્તન કર્યું હતું તેનો વીડિયો વાયરલ થઈ જતાં રાજ્યભરમાં સરકારની પ્રતિષ્ઠાને ખૂબ અસરો થઈ. આ મહિલા તબીબની તાકીદે બદલી પણ કરી નાંખવામાં આવી. આ પ્રકારની સ્થિતિઓ ટાળવા અને સરકારને અપજશમાંથી બચાવવા હવે સરકારે આરોગ્ય કર્મચારીઓના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે આ કર્મચારીઓને ‘જિભ‘નો ઉપયોગ કેવી રીતે કરવો, એ શીખવવામાં આવશે.





