Mysamachar.in-સુરત:
થોડા સમય પૂર્વે “રઈશ” નામની ફિલ્મ આવી હતી, અને અગાઉના સમયમાં પોલીસ પહેરો જયારે ચુસ્ત રહેતો ત્યારે દારૂની હેરાફેરી કરવા માટે સ્કુલે જતા બાળકોના દફતરમાં દારૂની બોટલોનો એક સીન જોવા મળે છે, આ ફિલ્મી ઘટનાને મળતી આવતી ઘટના સુરતમાં સામે આવી છે, રાજસ્થાનથી સુરતમાં ઘુસાડાતા અફીણના કારોબારનો પર્દાફાશ થયો છે, જેમાં ચોંકાવનારી રીતે નશાના જથ્થાને ઘુસાડવા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ-બેગમાં અંદાજે બે કિલો જેટલો અફીણનો જથ્થો લઈને રાજસ્થાનથી સુરતમાં ડિલિવરી કરવા આવી રહેલા ધોરણ-9ના વિદ્યાર્થીને પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે.
સંઘર્ષમાં આવેલા બાળકિશોર આધારકાર્ડ મુજબ (ઉં.વ-16 વર્ષ) 10 મહિના 29 દિવસ રહેવાસી-રાજસ્થાન પાસેથી અફીણ 1.980 કિગ્રા, જેની કિંમત.રૂ 1.98 લાખ,વગર પાસ પરમિટ પોતાની પાસે રાખી હેરાફેરી કરતાં પકડાઇ ગયો હતો. બાળકિશોરની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે અફીણનો જથ્થો વોન્ટેડ આરોપી-ગોપાલ રતનજી શર્મા જી-ચિતોડગઢ (રાજસ્થાન) નાઓ પાસેથી લઈ સુરત ડિલિવરી આપવા આવ્યો હતો. ડિલિવરી લેનારા અજાણ્યો ઇસમના નામ-સરનામાની ખબર નથી, મોબાઇલ નંબરની પણ ખબર નથી. કિશોરને આ કામ માટે 5 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.પોલીસે અન્ય મુદ્દામાલ મોબાઇલ નંગ-2, જેની કુલ કિ.રૂ-7500 તથા આધારકાર્ડ તથા કાળા કલરની સ્કૂલ-બેગ મળી કુલ મળીને.રૂ- 2,05,500ની મત્તા જપ્ત કરી છે.