My samachar.in:-સુરત
હાલની પરિસ્થિતિમાં જે રીતે મોંઘવારી વધી રહી છે, તેને કેટલાય લોકો એવા છે જેને જીવનનિર્વાહ કરવો અઘરો બની ચુક્યો છે, ત્યારે સુરતમાં વારંવાર ગેસ સીલીન્ડરની ચોરીની ઘટનાઓ બાદ પોલીસને હાથ લાગેલ શખ્સે કબુલાત આપી કે તે પોતાનું ગુજરાન ચલાવવા ગેસ સીલીન્ડર ઉઠાવતો હતો, સુરતના અમરોલી અને સરથાણાં વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં 25 ગેસ સિલિન્ડરની ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. જે બનાવમાં સરથાણા પોલીસે ગેસ સિલિન્ડરની ચોરી કરનાર શખ્સની ધરપકડ કરી 15 ગેસ બોટલ કબજે કર્યા છે. આ બોટલ આરોપી રૂપિયા 1500 માં વેચી દેતો હતો..
યોગી ચોક સાવલીયા સર્કલ શ્યામધામ ચોક વગેરે જેવા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓના પાર્કિંગમાં ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરોની ચોરીના બનાવો વધી રહ્યા હતા. જેને લઈને સુરતની સરથાણા પોલીસ ચોંકી ઉઠી હતી. સરથાણાં પોલીસે બાતમીના આધારે સિલિન્ડર ચોરી કરતા અને સરથાણા ખાતે જ રહેતા સંજય માન્યા નામના યુવકને ઝડપી પાડયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ જે રીતે વધી રહ્યા છે તેને લઈને સામાન્ય વ્યક્તિને જીવન જરૂરિયાતની ચીજો ખરીદવા મુશ્કેલી પડી રહી હતી ત્યારે જ સરળતાથી તે પૈસા કમાવવા માટે સંજય માન્યાએ આ રીત અપનાવી હતી. એક મહિનામાં સરથાણા અને અમરોલી વિસ્તારમાંથી 25 કરતાં વધુ સિલિન્ડરની ચોરી કર્યાની કબુલાત તેણે કરી હતી..
આરોપીએ કહ્યુ કે, હાલ આ વસ્તુઓની જરૂરિયાત હોવાથી તે સરળતાથી વેચાઇ જતા હતા. આ ગેસ સિલિન્ડર 1500 રૂપિયામાં તે વેચી મારતો હતો અને જે પૈસા મળતા તેનાથી પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતો હતો. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે 15 જેટલા સિલિન્ડર કબજે કર્યા છે અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. તો ઝડપાયેલા શખ્સે 10 જેટલા ગેસ સિલિન્ડર વેચી દીધા હોવાની કબૂલાત કરી છે. ઝડપાયેલ શખ્સ ભૂતકાળમાં આ સિવાય અન્ય કોઈ ચોરીમાં સંડોવાયો છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.