Mysamachar.in:અમદાવાદ:
દિવસે ને દિવસે રાજ્યમાં સાઈબરક્રાઈમની ઘટનાઓમાં સતત ને સતત વધારો થઇ રહ્યો છે, લોકોને કોઈપણ રીતે વાતોમાં કે મેસેજમાં ફસાવી અને તેના બેંક એકાઉન્ટમાં થી હજારોથી માંડીને લાખોની રકમ સાફ કરી નાખવામાં આવે છે, આવી વધુ એક ફરિયાદ અમદાવાદમાં સામે આવી છે, જેમાં ફાઈનાન્સ પર ટીવી ખરીદનાર વ્યક્તિના મોબાઈલ પર 10માં ટીવીનો વીમો ઉતારવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું, ખરીદારે વીમો નહીં લેવા ઓનલાઈન સર્ચ કરતા તેમને ઈન્સ્યોરન્સ કેન્સલ કરાવવા માટે 10 રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાનું કહી એક લિંક મોકલી હતી. જેને ફોલો કરતા તેમના બેંક એકાઉન્ટમાંથી બે ટુકડે રૂ.26,999 ઉપડી ગયા હતા.
નરોડા વિસ્તારમાં વસવાટ કરતા બળવંત રાઠોડે 12 નવેમ્બરે બજાજ ફાઈનાન્સમાંથી ટીવી ખરીદ્યું હતું. 19 નવેમ્બરે તેમના મોબાઈલ પર તેમના બચત ખાતામાંથી રૂ.9,999 તથા રૂ.17,000ના ટ્રાન્ઝેક્શન થયા અંગેનો મેસેજ આવ્યો હતો. જેથી તેઓ ચોંકી ઊઠયા હતા. કારણ કે તેમણે કોઈ વસ્તુ ખરીદી જ ન હતી.તો પછી પૈસા કપાયા કેવી રીતે….દરમિયાન તેમને યાદ આવ્યું હતું કે જયારે ટીવી ખરીદ્યું તેના થોડા દિવસમાં જ તેમના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો કે, તમારા ટીવીનો ઈન્સ્યોરન્સ ચાલુ થઈ ગયો છે.
બળવંત રાઠોડે ટીવીનો વીમો કેન્સલ કરવા બજાજ ફાઈનાન્સનું સરનામું શોધવા ગૂગલમાં સર્ચ કરતા બજાજની વેબસાઈટ પરથી તેમને એક મોબાઈલ નંબર મળ્યો હતો. જેના પર ફોન કરતા ફોનધારકે તેમને જણાવ્યું હતુ કે, તમારે વિમો કેન્સલેશન કરવા માટે કેન્સલેશન ચાર્જ રૂ. 10 ભરવા પડશે આમ તે છેતરપીંડીનો ભોગ બન્યા હોવાનું જણાઈ આવતા તેને ફરિયાદ નોંધાવી છે.