Mysamachar.in-
‘વિકસિત’ ગુજરાતની જામનગર મહાનગરપાલિકાના ICDS વિભાગમાં એક એવી ઘટના બની કે, ડિજિટલ ગુજરાતની વાસ્તવિકતાઓ સૌની નજર સમક્ષ બહાર આવી ગઈ. આ ‘અસલિયત’ સાત-સાત વર્ષથી ‘છાની’ ચાલતી રહી ! જામનગર મહાનગરપાલિકાના ICDS વિભાગ હસ્તકની આંગણવાડીઓમાં નોકરી કરતાં મહિલા કર્મચારીઓએ, એમને સરકાર દ્વારા આપવામાં આવેલાં સીમકાર્ડ તંત્રમાં ‘સાભાર પરત’ કરી દીધાં. અને, આ વિભાગનો ડેટા હવે આથી ગાંધીનગર પહોંચશે નહીં !
આંગણવાડી મહિલા કાર્યકરોને સરકારની બાળકો, માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓ સંબંધિત વિવિધ યોજનાઓની કામગીરીઓ કરવા માટે સરકારે, આજથી 7 વર્ષ અગાઉ સીમકાર્ડ આપ્યા. આ 7 વર્ષ દરમ્યાન સરકારે આ મહિલા કાર્યકરોને સીમકાર્ડનો ઉપયોગ કરવા માટેના મોબાઈલ આપ્યા નથી ! અત્યાર સુધી આ મહિલા કાર્યકરો પોતાના અંગત મોબાઈલ મારફતે આ સીમકાર્ડથી ગાંધીનગર સાથે સંકળાયેલા રહી, વિભાગની તમામ કામગીરીઓ કરતાં હતાં.
પરંતુ છેલ્લા ઘણાં સમયથી આંગણવાડી મહિલા કાર્યકરોને વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા, સરકારની સૂચનાઓ અનુસાર, અનેક પ્રકારની ઓનલાઈન અને ઓફલાઈન કામગીરીઓ સોંપવામાં આવતી હોય, આ મહિલા કાર્યકરો મહિલા-બાળકો સંબંધિત સરકારી કામગીરીઓ અને જવાબદારીઓ પર ધ્યાન આપી શકતા ન હતાં, આથી કંટાળી-થાકી આ મહિલા કાર્યકરોએ મહાનગરપાલિકાના ICDS વિભાગમાં પોતાને આપવામાં આવેલાં સીમકાર્ડ સરેન્ડર કરી દીધાં. આથી, જામનગરના બાળકો-મહિલાઓ-ધાત્રી માતાઓ અને કિશોરીઓ સંબંધેનો સરકારી યોજનાઓના ડેટા જામનગરથી ગાંધીનગર ઓનલાઈન પહોંચી શકશે નહીં.
આ ઉપરાંત આ મહિલા કાર્યકરોએ બીજો મુદ્દો એ ઉઠાવ્યો કે, તેમને રૂ. 24,800 વેતન આપવું એમ વડી અદાલતે ઠરાવી દીધાં પછી પણ સરકાર આ વધારેલું વેતન આપતી નથી. આ વિભાગના જે કામો માટે સરકારે એડવાન્સ નાણાં આપવા જોઈએ એવો નિયમ હોવા છતાં, આ કામો પૂર્ણ થઈ જાય પછી પણ છ-છ, આઠ-આઠ મહિના સુધી સરકાર આ મહિલા કાર્યકરોને નાણાં ચૂકવતી નથી. આ બધી બાબતોને લઈ આગામી 9 નવેમ્બરે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યભરના આંગણવાડી મહિલા કાર્યકરો ‘આક્રોશ’ રેલી યોજશે.
			
                                
                                
                                
                
