Mysamachar.in-જામનગર:
જામનગર વધુ એક વખત નેશનલ કક્ષાના કલંકિત અને ક્રાઈમ પ્રકરણમાં, સમાચારમાં ચમકયુ છે. કેન્દ્રીય એજન્સી CBIએ આ મામલામાં જામનગરના એક C.A.ને ઉપાડી લીધો છે, જે રાજસ્થાનમાં જયપુર ખાતે ઈન્કમટેક્સ વિભાગની એપેલેટ ટ્રિબ્યુનલમાં એકાઉન્ટન્ટ મેમ્બર તરીકે ‘કામ’ કરતો હતો. એક લાંચ મામલાની તપાસ દરમ્યાન આ C.A.નું નામ પણ ઓર્ગેનાઈઝડ સિન્ડિકેટમાં બહાર આવ્યું એમ CBI એ જાહેર કર્યું છે.
CBIએ ગત્ 26મી એ જાહેર કર્યું કે, ઈન્કમટેક્સ વિભાગની એપેલેટ ટ્રિબ્યુનલના એક એડવોકેટ અને એક જ્યુડિશિયલ મેમ્બરની ભ્રષ્ટ પ્રવૃત્તિઓના અનુસંધાને ધરપકડ કરી લેવામાં આવી છે. (આ એડવોકેટ જામનગરના કમલેશ રાઠોડ હોવાનું બહાર આવ્યું છે). જે જામનગરમાં ભીડભંજન ખડકી નજીક વિશાળ ઓફિસ ધરાવે છે.
CBIને મહિનાઓ અગાઉ એવી બાતમી મળી હતી કે, એપેલેટ ટ્રિબ્યુનલમાં અમુક પક્ષકારોની ફેવરમાં ‘ઓર્ડર’ મેળવી લેવાની ઓર્ગેનાઈઝડ સિન્ડિકેટ ચાલી રહી છે. આ બાતમીના આધારે CBIએ એડવોકેટની રૂ. 5.50 લાખની લાંચમાં ધરપકડ કરી. આ લાંચ હવાલા નેટવર્ક મારફતે મેળવવામાં આવી હતી.
આ મામલામાં ટ્રિબ્યુનલની મહિલા અધિકારી ડો.સિથાલક્ષ્મીની પણ ધરપકડ થઈ છે. અન્ય સરકારી અધિકારીઓ અને ખાનગી નાગરિક એટલે કે વચેટિયાની પણ ધરપકડ થઈ છે. આ મહિલાની સરકારી કારમાંથી રૂ. 30 લાખની રકમ કબજે લેવામાં આવી છે. આ ઉપરાંત જયપુર અને કોટા સહિતના શહેરોમાં દરોડા દરમ્યાન કુલ રૂ. 1 કરોડની રોકડ રકમ કબજે લેવામાં આવી છે.
અન્ય એક રિપોર્ટ કહે છે: કમલેશ રાઠોડની ધરપકડ ગુરૂવારે કરવામાં આવી. એ અગાઉ મહિલા અધિકારીની ધરપકડ થયેલી. મહિલાની પૂછપરછ દરમ્યાન કમલેશ રાઠોડનું નામ બહાર આવ્યું. અદાલતે કમલેશ રાઠોડના 1 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, અને CBI અધિકારીના કહેવા અનુસાર, કમલેશ રાઠોડના ઘર પર જે દરોડો પડ્યો તેમાં રૂ. 20 લાખની રકમ કબજે લેવામાં આવી.
આ સમગ્ર સિન્ડિકેટ એપેલેટ ટ્રિબ્યુનલની આંતરિક પ્રોસેસમાં ગેરરીતિઓ આચરી અપીલ કરનાર અરજદાર કરદાતાઓની ફેવરમાં એપેલેટ ટ્રિબ્યુનલમાંથી ઓર્ડર મેળવી લેતી હતી અને એ રીતે અરજદારોથી પાસેથી આ કામના બદલામાં નાણાં મેળવતી હતી. CBIએ આ મામલામાં અન્ય એક એડવોકેટ રાજેન્દ્ર સિસોદીયાની તથા એક અરજદાર મુઝમિલ નામના શખ્સની પણ ધરપકડ કરી છે


