Mysamachar.in-સુરત:
દરરોજ રાજ્યમાં ક્યાંક ને ક્યાંક એસીબી દરોડો પાડી અને લાંચિયાઓ ને ઝડપી પાડે છે, અને લોકોની પણ જાગૃતતા સામે આવી રહી છે જે સરાહનીય છે, એવામાં વધુ એક ટ્રેપ સુરતમાં થઇ છે, સુરતમાં નાનપુરા નાયબ નિયામકની કચેરીમાં એસીબીએ ઇન્ચાર્જ નાયબ નિયામક અને હેડ કલાર્કને રૂપિયા 30 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડયા છે, નાયબ નિયામક જમીન દફતરની કચેરી, નાનપુરા, સુરત કચેરીમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ નાયબ નિયામક, વર્ગ-1 અને ઇન્યાર્જ હેડ કલાર્ક, વર્ગ-3ના કર્મચારીએ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરેલાના હુકમ બદલ રૂ. 30 હજારની લાંચની માંગણી કરી હતી.
જે બાબતે એસીબીને ફરિયાદ મળતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. હેડ કલાર્કને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચિત કરી રૂ. 30 હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. એટલું જ નહીં પણ ઇન્ચાર્જ નાયબ નિયામકના કહેવાથી લાંચની માંગણી કરી હોવાનું પંચો રૂબરુ કબૂલ પણ કર્યું છે. બંન્ને આરોપીઓને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.એસીબીએ ઇન્ચાર્જ નાયબ નિયામક વર્ગ-1 કે.પી.ગામીત અને ઇન્યાર્જ હેડ કલાર્ક વર્ગ-3 ગીરીશભાઇ મોહનભાઇ પટેલની ડિટેઈન કર્યા છે.