Mysamachar.in-રાજકોટ:
ગતરોજ રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ નો પ્રારંભ કરાવ્યો ત્યારે અદાણી ગ્રુપના કરણ અદાણીએ આપેલ સુપર સ્પીચના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત કર્યા છે, ભારતના સૌથી વધુ ઔદ્યોગિક રીતે વિકસિત અને વૈશ્વિક સ્તરે જોડાયેલા રાજ્યોમાં આજે ગુજરાત સ્થાન ધરાવે છે. ગુજરાતના સંકલિત વિકાસનો ખરેખર અર્થ શું છે. તેનું દ્રષ્ટાંતરુપે આજે ભારતના જીડીપીમાં ગુજરાતનું આઠ ટકાથી વધુ યોગદાન, ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો 17 ટકા હિસ્સો, દેશના 40 ટકા કાર્ગોનું તેના બંદરો દ્વારા સંચાલન અને નવીનીકરણીય ઉર્જામાં એક અગ્રણી બની રહયાની હકિકતો સૌની નજર સામે છે
આ રાષ્ટ્રીય સફરમાં કચ્છ પરિવર્તનનું ખૂબ જ શક્તિશાળી પ્રતીક બની પ્રસ્તુત થયું છે.એક સમયે અંતરિયાળ અને પડકારજનક મનાતું કચ્છ આજે ભારતના સૌથી વ્યૂહાત્મક ઔદ્યોગિક, લોજિસ્ટિક્સ અને ઉર્જા કેન્દ્રોમાંના એક તરીકે ઉપસી આવ્યું છે. અદાણી સમૂહ માટે, મુન્દ્રા અમારી કર્મભૂમિ છે. તે માત્ર ભારતનું સૌથી મોટું વાણિજ્યિક બંદર અને સંપૂર્ણ સંકલિત મલ્ટિમોડલ લોજિસ્ટિક્સનો ગેટવે નથી, પરંતુ ભારતના સૌથી મોટા કોપર સ્મેલ્ટર પ્લાન્ટ, કોલસાથી પીવીસી સંકુલ અને સૌર ઉત્પાદન સંકુલની ઇમારત પણ છે. લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી માત્ર પ્રદેશ જ નહીં, પરંતુ ઉદ્યોગો કેવી રીતે પરિવર્તન લાવી શકે છે તે મુન્દ્રાએ દર્શાવ્યું છે.
ખાવડામાં અમે 37 ગીગાવોટ ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા પાર્ક વિકસાવી રહ્યા છીએ. આ ફક્ત એક ઉર્જા પ્રકલ્પ નથી પરંતુ આર્થિક વિકાસ, હવામાન પ્રત્યેની જવાબદારી અને ઉર્જા સુરક્ષા એકસાથે આગળ વધી શકે છે તે દર્શાવતું ભારતનું વિશ્વ સમક્ષ નિવેદન છે.
અદાણી સમૂહ માટે ગુજરાત ફક્ત રોકાણનું રાજ્ય નહી પણ અમારો પાયો છે. અમારા ચેરમેન ગૌતમ અદાણી, હંમેશા માનતા આવ્યા છે કે અમારા સમૂહનો વિકાસ રાષ્ટ્રના વિકાસથી અવિભાજ્ય રહેવો જોઈએ. આ ગુજરાત એ છે જ્યાંથી અમારી સફર શરૂ થઈ હતી, અને એ જ ગુજરાત છે જ્યાં અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતા ટકી રહી છે.
આ પાયાના આધારે અદાણી સમૂહ આગામી પાંચ વર્ષમાં કચ્છ ક્ષેત્રમાં ₹1.5લાખ કરોડનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે અમારો ખાવડા પ્રકલ્પ પૂર્ણ કરીશું અને 2030 સુધીમાં37 ગીગાવોટ ક્ષમતા પૂર્ણ કરીશું, અને અમે આગામી દસ વર્ષમાં મુન્દ્રા ખાતે અમારી બંદર ક્ષમતા પણ બમણી કરીશું.
આ દરેક રોકાણ ભારતની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ રોજગાર સર્જન, ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા, ટકાઉપણું અને લાંબા ગાળાની સ્થિતિસ્થાપકતા સાથે બંધ બેસે છે. ભારત જેમ જેમ વિક્સિત ભારત -2047 તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ ગુજરાત આ રાષ્ટ્રીય પરિવર્તનનો આધારસ્તંભ બની રહેશે. અદાણી સમૂહ મજબૂત, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે માનવંતા ભારતનું નિર્માણ કરવામાં વિશ્વસનીય ભાગીદાર બનવા માટે પ્રતિબદ્ધ છે.





















































