Mysamachar.in-જામનગર
મુખ્યમંત્રી જામનગર ક્યારે આવવાના છે ? આ પ્રશ્ન જામનગરમાં ગત્ તારીખ 17મી થી ચર્ચાઓમાં છે. આખરે મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીએ જાહેર કર્યું છે કે, CM સોમવારે, 24મી એ જામનગર આવી રહ્યા છે. પહેલાં એવી વાત હતી કે, જામનગરમાં ફ્લાયઓવર સહિતના કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માટે CM 20મી એ જામનગર આવી રહ્યા છે. પછી એવી વિગતો બહાર આવી કે, 20મી એ બિહારમાં નવી સરકારની શપથવિધિનો સમારોહ છે અને ગુજરાતના CM પણ ત્યાં ઉપસ્થિત રહેવાના હોય, જામનગર મુલાકાતની તારીખ બદલાઈ શકે છે.અને તેવું જ થયું હતું.
ત્યારબાદ મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન. મોદીએ એ વાતને સમર્થન આપ્યું છે કે, મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મળેલી માહિતીઓ અનુસાર, CM 24મી એ સોમવારે જામનગર આવશે. સોમવારે સવારે દસેક વાગ્યા આસપાસ મુખ્યમંત્રી સુભાષબ્રિજ-સાત રસ્તા ફ્લાયઓવરનું સ્થળ પર જઈ લોકાર્પણ કરશે અને બાકીના કામોનો લોકાર્પણ અને ખાતમૂહર્ત સહિતનો કાર્યક્રમ મહાનગરપાલિકાના ઉપક્રમે શહેરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી ક્યારે જામનગર આવવાના છે એ અંગેની તમામ અટકળોનો આ જાહેરાતથી અંત આવ્યો છે અને સોમવારની સવારે નગરજનોને શહેરનો પ્રથમ અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર વાહનવ્યવહાર માટે ઉપલબ્ધ થઈ જશે.


