Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ માટે આગામી 20મીએ ગુરૂવારના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ જામનગર આવી રહ્યા છે. એમના હસ્તે કુલ રૂ. 451 કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાશે. મુખ્ય કાર્યક્રમ જો કે સવારના ભાગમાં શહેરની મધ્યમાં આવેલાં ટાઉનહોલ ખાતે યોજાશે.
મુખ્યમંત્રીના આ કાર્યક્રમમાં રૂ. 226.99 કરોડના ખર્ચે નિર્માણ પામેલાં સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા ફ્લાયઓવરનું લોકાર્પણ થશે. આ ઉપરાંત ઉંડ-1 ડેમમાંથી શહેરના પમ્પ હાઉસ સુધી પાણી લાવી તેના માટેના ફિલ્ટર પ્લાન્ટનું પણ કામ રૂ. 121.10 કરોડના ખર્ચે ‘અમૃત’ યોજના હેઠળ પૂર્ણ થયું છે, તેનું પણ લોકાર્પણ થશે.
આ ઉપરાંત સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પમ્પિંગ સ્ટેશન વગેરેનું કામ રૂ. 40.09 કરોડના ખર્ચથી પૂર્ણ થયું. આ સાથે ઢીંચડા વિસ્તારના 2 કામ તથા સિવિક સેન્ટરના 2 કામોનું પણ લોકાર્પણ થશે અને સિવિલ તથા પ્રોજેક્ટ શાખાના રૂ. 33.89 કરોડના ખર્ચના કુલ 16 કામોનું ખાતમુહૂર્ત પણ થશે.સમગ્ર કાર્યક્રમ અંગે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઈજનેર ભાવેશ જાની, એએમસી મુકેશ વરણવા સહિતનાઓના માર્ગદર્શનમાં ટીમો કામે લાગી છે.(ફાઈલ તસ્વીર)


