Mysamachar.in-જામનગર
જામનગરમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતી અને તેના યુવા સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા હંમેશા જ્ઞાતી અને આ વિસ્તારના લોકો માટે સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેનો હું સાક્ષી છું, ભુતકાળમાં જયારે આ વાડીમાં કઇં ન હતું ત્યારે ધીરે ધીરે જ્ઞાતીજનો દ્વારા સગવડતા વધારવામાં આવી અને ખાસ કરીને પ્રોજેકટ ડાયરેકટર હિરેન ત્રિવેદી દ્વારા વિવિધ પ્રોજેકટ મુર્તીમંત કરીને ફકત જ્ઞાતીની વાડીનો જ નહીં, આ વિસ્તારમાં લોકોની સુવિધા માટે પણ સતત રજુઆત કરી છે, જેની અમે નોંધ લઇને આગામી દિવસોમાં રિલાયન્સ પમ્પના ઢાળીયાથી જ્ઞાતીની વાડીની આગળના ભાગ સુધી ૮૫ લાખના ખર્ચે સીસી રોડ મંજુર કર્યો છે, અમે સૌ પદાધીકારીઓએ અલગ અલગ અનુદાનમાંથી આ રકમ ફાળવી છે ત્યારે આગામી દિવસોમાં વાડીની મઘ્યમાં આવેલ હોલમાં એસી હોલ બનાવવા માટે ૫ લાખનું ફરીથી હું અનુદાન આપુ છું તેમ ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ સાંસ્કૃતીક હોલના લોકાર્પણ વિધિમાં જણાવ્યુ હતું.
તેમણે કહયુ હતું કે આપ સૌના આશીર્વાદથી હું કુપોષીત બાળકોને દતક લઉં છું, બ્લડ ડોનેશન તેમજ દિવાળીના દિવસોમાં ગરીબ વિસ્તારોમાં મિઠાઇ અને ફટાકડા પણ વેચુ છું, ત્યારે આપ સૌના આશીર્વાદ છે કે તમે એવી પ્રાર્થના કરો કે આગામી દિવસોમાં હું વધુ સેવાકીય કામ કરીશ, કાર્યક્રમમાં સન્માનના પ્રત્યુતરમાં ડે. મેયરે જણાવ્યુ હતું કે મેં મારા વોર્ડમાં સાંસ્કૃતીક હોલ માટે ૧૦ લાખની રકમ ફાળવી હતી ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીએ પણ ૫ લાખની રકમ ફાળવી હતી જેને લીધે આ સરસ હોલ તૈયાર થયો છે અને હું મારા સન્માન બદલ તમામ જ્ઞાતીજનોનો આભાર માનુ છું.
ભાજપના શહેર પ્રમુખ બીનાબેન કોઠારીએ જણાવ્યુ હતું કે સેવાકીય પ્રોજેકટમાં જ્ઞાતીજનો આવતા હોય છે, ખાસ કરીને આ પ્રોજેકટના ડાયરેકટર અવાર નવાર રજુઆત કરે છે અને જ્ઞાતી માટે સારા પ્રયાસ કરે છે, ભવિષ્યમાં પણ તેઓ સર્વાંગી વિકાસ થાય અને જ્ઞાતી અગ્રેસર થાય તેવા પ્રોજેકટ કરશે અમારા તરફથી પણ અમે સારા કામોમાં ચોકકસ મદદ કરીશું, ભાજપના પુર્વ શહેર પ્રમુખ ડો. વિમલ કગથરાએ યુવા સોશ્યલ ગ્રુપની કામગીરીને બિરદાવીને જણાવ્યુ હતું કે, પત્રકાર અને પ્રોજેકટ ડાયરેકટર અમારા મિત્ર છે અને તેઓ જ્ઞાતીની સેવા માટે કામ કરે છે તેનું અમને પણ ગર્વ છે, ભવિષ્યમાં પણ તેઓ સારા કામ કરે તેવી અમારી શુભેચ્છા છે,
આ કાર્યક્રમમાં યુવા સોશ્યલ ગ્રુપના તમામ સભ્યોએ તલવાર અર્પણ કરી, સાલ ઓઢાડી ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ ડે. મેયર ક્રિષ્નાબેન સોઢાનું મહિલા પાંખના સભ્યોએ તલવાર અને સાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્ઞાતીના ટ્રસ્ટી અને પ્રોજેકટ ડાયરેકટર હિરેન ત્રિવેદીએ કર્યુ હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ચેતનભાઇ ત્રિવેદી, પ્રીતીબેન ત્રિવેદી તથા અભ્યુદય મંડળ, યુવા સોશ્યલ ગ્રુપ જામનગર અને મહિલા પાંખના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમમાં મનિષ કટારીયા, પુર્વ ટ્રસ્ટી રમણીકભાઇ ત્રિવેદી, મહિલા પાંખના પ્રમુખ કીર્તીબેન ત્રિવેદી, યુવા સોશ્યલ ગ્રુપના પ્રમુખ ચેતનભાઇ ત્રિવેદી, દાતા પરિવારના પંકજભાઇ જોશી, ડો. દિનેશભાઇ ત્રિવેદી, પુર્વ ચેરમેન સુભાષભાઇ જોશી, મનિષ કટારીયા, અભ્યુદય મંડળના પરશુરામભાઇ ત્રિવેદી, કિશોરભાઇ ત્રિવેદી, મોહનભાઇ ત્રિવેદી, ઉર્મીબેન ત્રિવેદી સહિતના અગ્રણીઓ હાજર રહયા હતા,


