Mysamachar.in-જામનગર:
જામનગરની ભાજપાશાસિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ કોઈ પણ વિષય પર પોતાની મેળે પાંચ વાક્ય બોલી શકવાની ક્ષમતા નહિ ધરાવતા હોય તેવો સવાલ ઉઠે…? ગઈકાલે બુધવારે ‘સ્વચ્છ હવા’ સંબંધે મેયરે અગાઉથી તૈયાર એક પ્રેસનોટ પત્રકારો સમક્ષ વાંચી- આ વાત વધુ એક વખત સાબિત કરી દેખાડી. અત્રે ઉલ્લેખનિય છે કે, ગઈકાલે બુધવારે સ્ટેન્ડિંગ કમિટીએ શહેરની સ્વચ્છ હવા સંબંધે એક એક્શન પ્લાનનું વિમોચન કર્યું. જે સંબંધે મેયરે તૈયાર પ્રેસનોટ વાંચી.
-સ્વચ્છ હવા એક્શન પ્લાન શું છે..
કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) (પ્રેસનોટ વાંચતી વખતે આ કૌંસને મેયર MoU વાંચે છે!) દ્વારા આજથી 6 વર્ષ અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે, 2026 સુધીમાં ગુજરાતના જામનગર અને અમદાવાદ સહિતના રાજ્યના તથા ભારતના 131 શહેરોમાં હવા સ્વચ્છ બનાવવી. પ્રદૂષણ ઘટાડવું. આ યોજના પૂરી થવાનો સમય (2026) આવ્યો ત્યારે હવે નવેમ્બર-2025માં જામનગર મહાનગરપાલિકા આ વાત હજુ તો શરૂ કરે છે !સરકાર પણ રેઢિયાળ છે: આ યોજનામાં 2026 સુધીમાં હેતુ સિધ્ધ કરવાના છે અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ છેક જૂન-2025માં આ ઠરાવ કરે છે ! 6 વર્ષ અગાઉની વાત હવે થઈ રહી છે ! સમયસર કામ કરવામાં કોને, શું તકલીફ છે ? એવો પ્રશ્ન પણ પૂછી શકાય.
-શું છે આ આખી યોજના..?
જામનગર સહિત દેશના 131 શહેરોમાં 2026 સુધીમાં હવા પ્રદૂષણ ઘટાડવું એમ ભારત સરકાર 2019માં જાહેર કરે છે અને 2025ના અંતભાગમાં છેક જામનગર મહાનગરપાલિકાએ આ યોજના અંગેનો એક્શન પ્લાન જાહેર કર્યો. 2019માં ભારત સરકારે જ્યારે આ પ્રોગ્રામ જાહેર કર્યો ત્યારે કહેવાયું કે, શહેરોમાં સ્વચ્છ હવા માટે સંસ્થાકીય મજબૂતીકરણ કરવું, નોલેજ ડેટાબેઝ તૈયાર કરવો અને શમન ક્રિયાઓ પર ભાર મૂકવો. તે પછીના 6 વર્ષે આ વાત દિલ્હીથી જામનગર પહોંચી ! ગુજરાત સરકાર અત્યાર સુધી આ વિષયમાં શું કરતી હતી ? એવો પ્રશ્ન પણ કોઈ પૂછી શકે.
શહેરોમાં હવાનું મોનિટરીંગ કરવું- હવાની ગુણવત્તા સુધારવા પ્રયાસ કરવા- ઘન કચરાના દહનની કામગીરીને નિયંત્રિત કરવી(જામનગરમાં આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ લાંબા સમયથી બંધ છે)- કન્સ્ટ્રકશન એન્ડ ડિમોલીશન વેસ્ટને રિસાયકલ તેમજ રિયુઝ કરવા માટે પ્લાન્ટની કામગીરીઓ(જામનગરમાં આ કામગીરીઓ JMC ક્યાં અને કેવી રીતે કરે છે ? નગરજનો પૂછે છે) વગેરે બાબતો સંબંધે આ પ્રેસનોટમાં સારી સારી વાતો કરવામાં આવી છે. આ પ્રેસનોટ મહાનગરપાલિકાએ ગઈકાલે બુધવારે રિલીઝ કરી અને આ બાબતે મેયરે કહ્યું કે, આ માટે એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવશે. આ પ્લાનનું ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીએ વિમોચન કર્યું
























































