Mysamachar.in-જામનગર:
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન કાર્ડ પર આપવામાં આવતી આરોગ્ય સેવાઓ)ના હેતુઓ ખૂબ જ ઉમદા છે. સરકારી હોસ્પિટલો સજ્જ ન હોવાને કારણે કરોડો નાગરિકોને સરકારના ખર્ચે સારી આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય એ માટે આ યોજનામાં ખાનગી હોસ્પિટલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ સેંકડો હોસ્પિટલો આ યોજનામાં ‘શયતાનિયત’ આચરે છે અને દર્દીઓને લૂંટે છે, શારીરિક તથા માનસિક રીતે હેરાન કરે છે અને સરકારમાંથી નાણાં કાતરી લ્યે છે ! જામનગરમાં પણ આવી એક હોસ્પિટલ હડફેટે ચડી ગઈ અને આવા એક ડોક્ટરને સરકારે સસ્પેન્ડ કરી નાંખતા સમગ્ર હાલારમાં સનસનાટી મચી ગઈ છે.
રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ આ અંગેની સઘળી હકીકતો પત્રકારો સમક્ષ મૂકી છે. જેમાં જણાવાયું છે કે, સરકારી યોજનામાં ગેરરીતિઓ આચરતી હોસ્પિટલો વિરુદ્ધ આરોગ્ય વિભાગ દ્વારા સતત અને કડક કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગરની JCC હાર્ટ ઈન્સ્ટીટયૂટ વિરુદ્ધ પણ આકરી કાર્યવાહીઓ કરવામાં આવી છે અને ગેરરીતિઓ બદલ ડો. પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કરી નાંખવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ ગુજરાતની ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહીઓ શરૂ થયેલી, ત્યારબાદ રાજકોટ સહિતના ઘણાં શહેરોમાં પણ ‘શયતાન’ ડોક્ટર્સનો વારો ચડી ગયો. હવે આવી જ ગેરરીતિઓ જામનગરમાં પણ ખૂલ્લી પડી ગઈ. હોસ્પિટલોની ચાર દીવાલો વચ્ચે, AC ખંડો અને ચેમ્બરમાં કેટલાંયે પ્રકારના કુંડાળાઓ આચરવામાં આવતાં હોય છે. આવા કુંડાળાઓ પૈકી જામનગરની જાણીતી હાર્ટ ઈન્સ્ટીટયૂટ JCCના કુંડાળાઓ છતા થઈ ગયા અને આ હોસ્પિટલને સસ્પેન્ડ કરી નાંખવામાં, દંડ પણ કરવામાં આવ્યો અને એક ડોક્ટરને પણ સસ્પેન્ડ કરી નાંખવામાં આવ્યો.
સરકારે જાહેર કરેલી વિગતોમાં કહેવાયું છે કે, JCC હોસ્પિટલ સરકારી યોજનામાં માર્ગદર્શિકાનું પાલન કરી રહી નથી. અને આ યોજનામાં ગેરરીતિઓ આચરે છે. આથી હવે આ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ અંતર્ગતની સુવિધાઓ નહીં મળે. આ હોસ્પિટલને આ યોજનામાંથી સસ્પેન્ડ કરી નાંખવામાં આવી છે.
સરકાર કહે છે: આ હોસ્પિટલમાં તપાસ કરતાં વિગતો જાણવા મળી કે, આ હોસ્પિટલમાં કાર્ડિયાક પ્રોસિજર પૈકી 105 કેસમાં ગેરરીતિઓ સામે આવી ગઈ. આથી આ હોસ્પિટલને રૂ. 6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ સ્પષ્ટ કહ્યું કે, હોસ્પિટલોમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિઓ ચલાવી લેવામાં આવશે નહીં. માનવતા વિરોધી બેદરકારીઓ પણ સહન કરવામાં આવશે નહીં. કસૂરવાર કોઈ પણ હોય, આકરી કાર્યવાહીઓ થશે.
-જામનગરની JCC હોસ્પિટલ દર્દીઓ સાથે કેવા ખેલ કરતી’તી ?
આરોગ્યમંત્રીએ કહ્યું કે, જામનગરની JCC હોસ્પિટલમાં PMJAY યોજનામાં 2 કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને 1 કેસમાં ECG રિપોર્ટમાં ‘છેડછાડ’ કરવામાં આવી અને દર્દીઓને કાર્ડિયાક પ્રોસિજરની જરૂરિયાત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજયકક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલાં 262 કેસની તપાસ કરવામાં આવતાં 53 કેસમાં વિસંગતતા જોવા મળી. જેમાં દર્દીઓને જરૂર ન હોય તો પણ કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવતી હતી.
(આરોગ્યમંત્રીના કથનનો સાદો અર્થ: દર્દીઓને હ્રદયરોગની સારવારની જરૂર ન હોય તો પણ JCC હોસ્પિટલ સરકારમાંથી નાણાં મેળવી લેવા, દર્દીઓના શરીર ચીરી નાંખતી અને એ રીતે દર્દીઓ તથા તેમના પરિવારજનોને શારીરિક માનસિક ત્રાસ આપતી હતી ! ખરેખર તો આવા ‘શયતાનો’ને જેલના સળીયા પાછળ ધકેલી દેવા જોઈએ) આરોગ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, આ ઉપરાંત પાલનપુર અને જૂનાગઢની એક એક ખાનગી હોસ્પિટલ વિરુદ્ધ પણ કડક કાર્યવાહીઓ કરવામાં આવી છે.
























































