Mysamachar.in-જામનગર
ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ હવામાન સામાન્ય થતાં, જામનગરના અત્યંત વ્યસ્ત અને ભારે ટ્રાફિક ધરાવતા લાલપુરથી ત્રણ પાટિયા સુધીના રાજ્ય ધોરીમાર્ગ પર સમારકામની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી રાહદારીઓ તેમજ વાહનચાલકોને વરસાદ દરમિયાન થયેલ ખાડાઓ અને ખરાબ રસ્તાના કારણે થતી મુશ્કેલીઓમાંથી ખૂબ મોટી રાહત મળી છે.માર્ગ અને મકાન વિભાગ જામનગર દ્વારા આ માર્ગના સમારકામનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામીએ જણાવ્યું છે કે વરસાદ બંધ થતાં જ અમે આ અગત્યના માર્ગનું કામકાજ સત્વરે શરૂ કરી દીધું છે. આ માર્ગ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટ્રાફિક માટે મહત્વપૂર્ણ છે. અને ટૂંકા ગાળામાં આ માર્ગને સંપૂર્ણપણે સુધારીને વાહન વ્યવહાર માટે સરળ અને સલામત કરી દેવાશે.
લાલપુરથી ત્રણ પાટિયા સુધીનો આ રોડ માત્ર શહેરને જોડતો મુખ્ય માર્ગ નથી, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અન્ય શહેરો તરફ જવાનો પણ મુખ્ય માર્ગ હોવાથી, હજારો વાહનચાલકો દરરોજ તેનો ઉપયોગ કરે છે.જે ધ્યાનમાં લઈ આ રોડ પરનું કામ ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.


