Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ એક રાજપત્ર પ્રસિદ્ધ કર્યો. આ રાજપત્રમાં કહેવાયું છે કે, ગ્રામ પંચાયતથી માંડીને જિલ્લા પંચાયત સુધી કયાંય પણ, કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ વિરુદ્ધ ફરિયાદ થશે (અથવા ફરિયાદ નહીં થઈ હોય તો પણ) ત્યારે, સંબંધિત અધિકારી આ નેતા વિરુદ્ધ કાર્યવાહીઓ કરી શકશે, કરશે અને ઝડપથી કરશે.
સામાન્ય રીતે, પંચાયતીરાજની ભાવના એ હોય છે કે, ગ્રામ્ય વિસ્તારના લોકોની લાગણીઓનો પડઘો ચૂંટાયેલા નેતાઓ પાડે, નેતાઓ ગ્રામ્ય પ્રજાનો અવાજ બને અને એ રીતે શાસનમાં ગ્રામ્ય જનતાનો અવાજ તંત્રના કાન સુધી પહોંચે. આ વ્યવસ્થાઓમાં સ્થાનિક નેતાઓનું મહત્વ ઘણું જ રહે છે. સાથેસાથે અમુક સ્થાનિક નેતાઓ આ વ્યવસ્થાઓનો ‘ગેરલાભ’ ઉઠાવતા હોય એવી પણ ઘટનાઓ બનતી હોય છે. ફરિયાદો પણ થતી હોય છે.
આ પ્રકારના અળવીતરાં નેતાઓને સીધાદોર કરવા, દંડિત કરવા સરકારે રાજપત્ર બહાર પાડ્યો. જેમાં નેતાઓને સીધાદોર કરવાની સત્તા અધિકારીઓને આપવામાં આવી. આ નવી વ્યવસ્થાઓ અધિકારીરાજ પણ લાવી શકે તેવી પણ ભીતિ છે. સ્થાનિક નેતાઓ સરકારના આ રાજપત્રનો વિરોધ વ્યક્ત કરે તેવી પણ સંભાવનાઓ છે.
આ રાજપત્રમાં કહેવાયું છે કે, જો ગ્રામ પંચાયતથી માંડીને જિલ્લા પંચાયત સુધી, કોઈ પણ સભ્ય વિરુદ્ધ જેમાં પ્રમુખ સહિતના પદાધિકારીઓનો પણ સમાવેશ થાય છે, ફરિયાદ થશે તો તેની વિરુદ્ધ કામ ચલાવવાની સતાઓ જિલ્લા વિકાસ અધિકારીથી માંડીને પંચાયત સચિવ સુધીના અધિકારીઓને આપવામાં આવી છે. જો કે આમાં આરોપીને બચાવ કરવાની, અપીલ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજપત્રમાં એમ પણ કહેવાયું છે કે, જો કોઈ સભ્ય વિરુદ્ધ ફરિયાદ નહીં હોય તો પણ સંબંધિત અધિકારીઓ તે સભ્ય વિરુદ્ધ નિયમ અનુસાર કામ ચલાવી શકશે. પગલાંઓ લઈ શકશે. આ રાજપત્ર ગઈકાલે રાત્રે જાહેર થયો. આ પગલાંને કારણે અધિકારીઓની સતામાં વધારો થશે. ‘દાગી’ ચૂંટાયેલા નેતાઓ માટે મુશ્કેલીઓ શરૂ થશે. કોઈ પણ નિયમ માફક આ સમગ્ર વ્યવસ્થાનો અમલ અધિકારીઓ કેવી રીતે કરશે, તેના પર સઘળો મદાર અને આધાર છે. પરંતુ એટલું ચોક્કસ કે, આ રાજપત્રને કારણે પંચાયતોમાં ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે બબાલો વધશે. અંતર વધશે. ઝઘડા વધશે. અમુક કામોમાં વિલંબ પણ સર્જાશે. અને કસૂરવાર નેતાઓ દંડાશે પણ.





