Mysamachar.in-ગાંધીનગર:
2 દિવસ અગાઉ જાહેરાત થઈ કે, માત્ર 48 કલાકમાં સર્વે થઈ જશે અને સહાય ચૂકવવામાં આવશે. કમોસમી વરસાદે ખેતીમાં વેરેલા વિનાશ બાદ સર્વત્ર હવે રાહત પેકેજની ચર્ચાઓ છે. ગઈકાલે મંગળવારે, બપોરથી મોડી રાત્રિ સુધી અહેવાલો આવતાં રહ્યા કે, ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાત. આંકડાઓ પણ ચર્ચાઓમાં છવાયા. આજનો સૂરજ ઉગી ગયો, માથાં પર આવી ગયો. રાહત પેકેજની જાહેરાત થઈ નથી.
દરમ્યાન, ચર્ચાઓ એવી પણ છે કે- સાંજે કદાચ જાહેરાત થઈ જાય. બીજી તરફ આજે ગુરૂનાનક જયંતિની રજા હોવાથી કેબિનેટ બેઠક યોજાઈ નથી. હવે, આવતીકાલની કેબિનેટ બેઠકમાં રાહત પેકેજની જાહેરાત થશે ?એવો પણ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે.
રાહત પેકેજ સંબંધે એ ચર્ચાઓ પણ છે કે, જો સરકાર SDRF નિયમો અનુસાર રાહત પેકેજ જાહેર કરે તો, સહાયની રકમ નાની રહે અને તો ખેડૂતો વિફરી પણ શકે. અને, જો રાહત પેકેજનો આંકડો મોટો જાહેર કરવો હોય તો, બજેટમાંથી અમુક રકમ ફાળવવી પડે. કેટલી રકમ ફાળવવી ? રાહત પેકેજનું કદ કેવડું રાખવું વગેરે બાબતોની પણ ચર્ચાઓ કરવી પડે, થઈ રહી છે. દરમ્યાન, એવો પણ અહેવાલ છે કે- ગત્ રોજ CMએ કેન્દ્ર સરકારને પણ જાણ કરી કે, કમોસમી વરસાદથી ગુજરાતમાં કેટલું નુકસાન થયું તેની આકારણી કરવા ટીમ મોકલાવો અને આ સંબંધે નાણાંકીય મદદ પણ કરો.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારે ગણતરીના કલાકોમાં આખા રાજ્યનો સર્વે પતાવી દીધો તેથી આ સર્વેની હકીકતો અંગે પણ જાતજાતની ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાંક લોકો એમ પણ કહી રહ્યા છે કે, અમારાં વિસ્તારમાં સર્વે ક્યારે થઈ ગયો ?! અમને ખબર નથી. આ બધી સ્થિતિઓ વચ્ચે નોંધનીય બાબત એ છે કે, લાખો ખેડૂતો રાહત પેકેજ જાહેર થવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે, એમ પણ કહેવાય રહ્યું છે. પરંતુ હાલ કોઈ કારણસર વિલંબ થઈ રહ્યો હોય સૌના જિવ તાળવે છે.


