Mysamachar.in-અમદાવાદ:
બેંક સરકારી હોય કે ખાનગી, બેંક અને ખાતાંધારકો વચ્ચે જુદાજુદા પ્રકારના ઝઘડા, વિવાદ અને કાનૂની જંગ ચાલતાં રહેતાં હોય છે. ઘણાં કિસ્સાઓમાં બેંકના વર્તનને કારણે ગ્રાહકને માનસિક અને આર્થિક સહિતની પરેશાનીઓ અનુભવવી પડતી હોય છે. હજારો ગ્રાહકો બેંક વિરુદ્ધ જુદીજુદી ફરિયાદો નોંધાવતા હોય છે, આવો વધુ એક બનાવ બહાર આવ્યો, જેમાં બેંકને દંડ ફટકારાયો છે.
એક ગ્રાહકે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ નામની ખાનગી બેંકની એક શાખામાંથી રૂ. 50 લાખની લોન મેળવી હતી. બાદમાં ગ્રાહકે લોનની અમુક રકમ જમા કરાવી દીધાં પછી બેંકને જણાવ્યું કે, ‘હું આ લોન એકાઉન્ટ કલીયર કરવા ચાહું છું. એકાઉન્ટની અત્યાર સુધીની વિગતો, બેંક સ્ટેટમેન્ટ આપો.’ બેંક કર્મચારીઓ દ્વારા આ એકાઉન્ટ ધારકને વિગતો આપવામાં ન આવી. આથી ગ્રાહક અને બેંક વચ્ચે વિવાદ શરૂ થયો.
દરમ્યાન, ગ્રાહકના ધ્યાન પર આવ્યું કે, તેની લોન મંજૂર થઈ તે સમયે બેંક મેનેજમેન્ટે જે વ્યાજદર વસૂલવાની ખાતરી આપી હતી તેના કરતાં વધુ વ્યાજદર બેંક વસૂલી રહી હતી. આ ઉપરાંત ગ્રાહક એકાઉન્ટ કલીયર કરવા ચાહતો હતો છતાં તેમ કરવાને બદલે ગ્રાહકના ખાતામાં ચાર્જીસ સહિતની રકમો ઉધારી. આથી આ એકાઉન્ટધારક મામલાને ગ્રાહક ફોરમમાં લઈ ગયો.
અમદાવાદ ગ્રાહક ફોરમે ચુકાદો આપતાં કહ્યું: રિઝર્વ બેંકનો સ્પષ્ટ આદેશ છે કે, તમામ બેંકે ગ્રાહકને તેના એકાઉન્ટની લેખિત વિગતો પૂરી પાડવી જોઈએ. બેંકની આ પ્રાથમિક ફરજ છે. આ ફરજ નિભાવવામાં બેંક નિષ્ફળ રહી છે. બેંકે આ અરજદારને રૂ. 10,000 વળતર તરીકે અને રૂ. 5,000 માનસિક ત્રાસ અને અદાલતી કાર્યવાહીઓમાં થયેલાં ખર્ચ પેટે ચૂકવવા. આમ, આ કિસ્સામાં ગ્રાહકે આ ખાનગી બેંકના મેનેજમેન્ટને પાઠ ભણાવી દીધો.


