Mysamachar.in-જામનગર:
જામનગરની જીજી હોસ્પિટલની જૂની ઈમારતો પૈકીની મુખ્ય ઈમારત હાલ OPD વિભાગ તરીકે ઓળખાય છે, જેને તોડી પાડી નવી હોસ્પિટલનું નિર્માણ કરવાનું હોવાથી અહીંના જૂના તમામ વિભાગો અન્ય જગ્યાઓ પર કાર્યરત કરવા માટેની કામગીરીઓ આગળ વધારવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં આ જૂની ઈમારતમાંથી કેટલાંક વિભાગોનું સ્થળાંતર થઈ ચૂક્યું છે. હવે મુખ્ય તમામ OPD વિભાગો વગેરેની જગ્યાઓ બદલવામાં આવશે. આ માટે નવી મેડિકલ કોલેજ વિસ્તારમાં અને એ તરફના રસ્તા પર એટલે કે સોલેરિયમ તરફના માર્ગ પર શું વ્યવસ્થાઓ થઈ શકે, પાર્કિંગ ક્યાં રાખી શકાય, વગેરે બાબતોનું આયોજન જામનગર મહાનગરપાલિકા અને આરોગ્ય સત્તાવાળાઓના સંકલનમાં ચાલી રહ્યું છે.
આગામી સમયમાં આ OPD વિભાગ સ્થળાંતર અને કોલેજ બિલ્ડીંગની દીવાલ બહાર એટલે કે, સોલેરિયમ દરવાજા બહાર મિલિટરી વિસ્તાર નજીક પાર્કિંગ વ્યવસ્થાઓ અંગે વિચારણાઓ ચાલી રહી છે. આગામી બે માસ દરમ્યાન આ નવી વ્યવસ્થાઓ, શિફટીંગ થવાની ધારણાં છે. મેડિકલ કોલેજ ડીન ડો. નંદિની દેસાઈ, એડિશનલ ડીન ડો.એસ.એસ.ચેટરજી વગેરે તથા મહાનગરપાલિકાના અધિકારીઓએ સંભવિત પાર્કિંગ જગ્યાઓ વગેરેનું નિરીક્ષણ કર્યું છે અને જરૂરી બાબતોની નોંધ કરી છે.
			
                                
                                
                                
                
