Mysamachar.in-જામનગર:
જામનગર શહેર નજીક વધુ એક લગડી જમીનનો મામલો કલેક્ટર કચેરીમાં પહોંચી ગયો. સંખ્યાબંધ પ્લોટધારક પોતે ખરીદેલાં પ્લોટમાં પ્રવેશી શકતા નથી ! અને, આ પ્લોટધારકોની વહારે કોઈ આવતું નથી. નગરના એક બિલ્ડર અગ્રણી વિરુદ્ધ આ બાબતે કલેક્ટર કચેરીમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું.
પ્લોટધારકો વતી અગ્રણીઓ રમેશ નકુમ અને માવજી ચાવડા વગેરેએ આજે કલેક્ટર કચેરીમાં આપેલાં આવેદનમાં જણાવ્યું છે કે, જામનગર નજીકના ચેલા ગામની જમીનોનો આ મામલો છે. આ બબાલ 30-35 વર્ષથી ચાલે છે ! અંદાજે 400 જેટલાં પ્લોટધારકોએ આ જમીન વર્ષો અગાઉ ખરીદી પરંતુ આજની તારીખે આ જમીનનો કબજો પ્લોટધારકોને સોંપવામાં આવ્યો નથી. પ્લોટધારકોના કહેવા મુજબ, આ જમીનો પર આવારા તત્ત્વોનો કબજો છે.
પ્લોટધારકો આવેદનમાં કહે છે: બિલ્ડર અગ્રણી અમોને પ્લોટધારકોને આ જમીનોના દસ્તાવેજ કરી આપે અને અમોને આ પ્લોટ્સ સોંપી આપે.આ અંગેનો એક કેસ 8 વર્ષથી સુપ્રિમ કોર્ટમાં છે. આ કેસમાં આ અગાઉ હાઇકોર્ટમાં પ્લોટધારકની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. પરંતુ પછી સુપ્રિમ કોર્ટમાં અપીલ થતાં ફરી મામલો પડતર રહ્યો. આથી પ્લોટધારકો તંત્રને કહે છે, સુપ્રિમ કોર્ટમાંથી આ અપીલ પરત ખેંચી લેવામાં આવે. આ સંબંધે 2 વખત CM સમક્ષ પણ રજૂઆત થઈ ગઈ. છતાં મામલો ઉકેલાયો નથી.
આવેદનમાં જણાવ્યા અનુસાર, આ તમામ પ્લોટધારકોએ મયૂર નોન ટ્રેડિંગ કોર્પોરેશન પાસેથી જેતે સમયે રજિસ્ટર્ડ કરારથી અવેજની રકમ ચૂકવી આ તમામ પ્લોટની ખરીદી કરી હતી. નાણાં પ્લોટધારકોએ આપ્યા છે અને આ જમીનોનો દસ્તાવેજ જમન ફળદુના નામે છે. આ જમીનમાં પ્લોટધારકો પ્રવેશી શકતા નથી. આમ લાંબા સમયથી આ પ્લોટધારકો માલિકી હક્કથી વંચિત છે. આ મામલે માય સમાચાર દ્વારા જેમની સામે કથિત રજૂઆત છે તે બિલ્ડર જમન ફળદુનો ત્રણ વખત ટેલીફોનીક સંપર્ક સાધી તેમની પણ પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો પણ ફોન નો-રીપ્લાય થતા તેમનો જવાબ મળ્યો નથી.


