Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
ગુજરાતીઓ પૈકી ઘણાં બધાં લોકો પાસે પુષ્કળ નાણું છે. આથી આવા માલેતુજારો પાસેથી અમુક નાણું કેવી રીતે સેરવી લેવું એ સાજિશ ગઠીયાઓ દ્વારા ઘડાતી જ રહેતી હોય છે. ટેકનોલોજીનો દુરુપયોગ કરી લોકો પાસેથી નાણાં પડાવી લેવા સાયબર ક્રિમિનલ તત્ત્વો જાતજાતના પેંતરા ઘડતાં રહે છે અને આ ગુનાઓ આચરી લોકોને લૂંટતા રહે છે ! સાયબર ક્રાઈમ ‘સમાચાર’માં રોજ ચમકતો મુદ્દો છે ! લોકો સલામત નથી ? લોકો ખરેખર ભોળવાઈ જાય છે ? લોકો જે ફરિયાદો નોંધાવે છે, તેમાં કેટલું તથ્ય હોય છે ? મોટાભાગના સાયબર ગઠીયાઓ ઝડપાતાં નથી, આમ કેમ ? વગેરે વગેરે કેટલાંયે પ્રશ્નો લોકોની ચર્ચાઓમાં અથડાતા રહે છે.
દરમ્યાન, રાજ્યસ્તરેથી સાયબર ક્રાઈમ કેસ અંગેની કેટલીક આંકડાકીય માહિતીઓ બહાર આવી. આ આંકડાઓ આ વર્ષના પ્રથમ 9 મહિના એટલે કે જાન્યુઆરી-સપ્ટેમ્બરના છે. આ 270 દિવસ દરમ્યાન રાજ્યમાં જામનગર સહિતના મહાનગરોમાં તથા ગ્રામ્ય વિસ્તારોના પોલીસ મથકોમાં કુલ 1.42 લાખ લોકોએ એવા કોલ્સ કર્યા કે, ‘અમને સાયબર ક્રાઈમ સંબંધિત ફોન આવ્યા’. આ લોકો પૈકી 72,000 લોકો સાથે ‘ખેલ’ પણ પડી ગયા. એટલે કે, રાજ્યમાં ગઠીયાઓ રોજ 267 લોકોને ‘શીશા’માં ઉતારી માથે ‘બૂચ’ મારી દે છે ! સાયબર ક્રાઈમ અંગે આટલાં બધાં સમાચાર આવે છે, આટલી બધી જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે, છતાં લોકો આ બાબતમાં ભોગ શા માટે બને છે ? આ પ્રશ્નનો ઉત્તર રહસ્યમય દેખાઈ રહ્યો છે.
જામનગર સાયબર ક્રાઈમ પોલીસને આ 270 દિવસ દરમ્યાન કુલ 3,415 કોલ્સ પ્રાપ્ત થયા. એટલે કે, રોજ 13 લોકોને શીશામાં ઉતારવા માટેની ટ્રાય થઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવા રોજના 3 ફોન પોલીસમાં નોંધ થઈ રહ્યા છે. જો કે, આવા કોલ્સ અનેક લોકોને આવતાં હોય, બધાં લોકો સાયબર ક્રાઈમ બ્રાંચને જાણ કરતાં હોતાં નથી. આ 270 દિવસ દરમ્યાન રાજ્યમાં જે 72,000 લોકો સાયબર છેતરપિંડીઓનો ભોગ બની ગયા, તે લોકોએ રૂ. 678 કરોડ ગુમાવી દીધાં એમ પોલીસમાં જાહેર થયું. મતલબ, દર ચોવીસ કલાક દરમ્યાન સાયબર ગઠીયાઓ ગુજરાતી લોકોના ખિસ્સામાંથી રૂ. અઢી કરોડ ખંખેરી લ્યે છે ! લોકો આવી રીતે ગઠીયાઓને પૈસા આપી દેતાં હશે ?! શા માટે આપી દે છે ?! લોકો ક્યા કારણથી છેતરાઈ રહ્યા છે ? ઘણાં લોકો આ બાબતે અચરજ અનુભવી રહ્યા છે.





