Mysamachar.in-
ઘણાં લાંબા સમયથી સમાચારોમાં ટ્રમ્પ-ટ્રમ્પ અને અમેરિકા-અમેરિકા થઈ રહ્યું છે. સામાન્ય માણસ એમ વિચારે છે કે, આપણે અને ટ્રમ્પને શું લેવાદેવા ? સામાન્ય માણસની આ માન્યતા સાવ સાચી નથી. ટ્રમ્પની માનસિકતા ભારતના નાગરિક તરીકે તમને પણ અસર કરી શકે છે. આ પ્રકારની શકયતાઓ હવે આપણી વધુ નજીક આવી પહોંચી છે.
 
દીવા જેવી હકીકત એ છે કે, રશિયાને છેલ્લા 3 વર્ષથી યુક્રેન સામેનું યુદ્ધ લડવા નાણાંની તોતિંગ જરૂરિયાત છે. આથી રશિયા વૈશ્વિક બજારભાવ કરતાં સસ્તું ક્રૂડ ભારતને મોટાં પ્રમાણમાં વેચાણ કરી રહ્યું છે. આથી ભારત સરકારની ઓઈલ કંપનીઓ તથા ખાનગી કંપનીઓને અબજો રૂપિયાનો ‘નફો’ થયો. અને, આ ક્રૂડ રિફાઈન થયા પછી એમાંથી અબજો લિટર ઈંધણ યુરોપ સહિતના દેશોમાં ભારતે વેચાણ કર્યું. એમાંથી પણ સરકારી અને ખાનગી ભારતીય કંપનીઓને તોતિંગ નફો થયો. અમેરિકા ભારતનો આ લાભ સહન કરી શકતું નથી.
 
અમેરિકાએ ભારત રશિયામાંથી ઓઈલ ન ખરીદે એ માટે વિવિધ પ્રતિબંધ જાહેર કરી દીધાં છે જે પૈકી અમુક પ્રતિબંધ અમલમાં છે, અમુક પ્રતિબંધ હવે અમલી બનશે. આ બધાં પ્રતિબંધ ભારતીય અર્થતંત્રને માઠી અસરો પહોંચાડી રહ્યા છે. આ પ્રકારના પ્રતિબંધને કારણે રશિયાથી ઓઈલ લઈ ભારત આવી રહેલાં મહાકાય જહાજો દરિયામાં દિશા બદલી અન્ય દેશો તરફ વળી ગયા હોવાના અહેવાલ છે.
 
આગામી સમયમાં એટલે કે 22 નવેમ્બરથી ભારત માટે આ પ્રતિબંધો વધુ ઘેરી અસરો ખાસ કરીને ઈંધણ મામલે, નિપજાવી શકે છે. ભારત સરકારની કેટલીક કંપનીઓ અને એક ખાનગી ભારતીય કંપનીએ તો જાહેર પણ કરી દીધું કે, હવે રશિયાથી ઓઈલ લાવવામાં આવશે નહીં. મતલબ, ભારતને અત્યાર સુધી મળેલા લાભો હવે મળતાં બંધ થઈ શકે છે.
 
અત્રે ઉલ્લેખનિય છે કે, ઓઈલની આયાતકિંમત-સરકારનો ટેક્સ અને આ ઓઈલને રિફાઈન કરવાનો ખર્ચ વગેરે બાબતો ભારતમાં પેટ્રોલ ડીઝલ સહિતના ઈંધણના ભાવો પર અસરો કરતી હોય, આગામી સમયમાં ઉંચી પડતરને કારણે ભારતમાં ઈંધણના ભાવો વધી પણ શકે. અથવા, સરકાર ધારે તો ટેક્સ ઘટાડી ભાવોને સ્થિર રાખી શકે. ભૂતકાળમાં સરકારે ચોક્કસ સમયે આમ કરેલું જેને કારણે ઘણાં સમયથી ઈંધણના ભાવો ભારતમાં સ્થિર રહી શક્યા છે, જે આગામી સમયમાં ઉંચા જઈ શકે છે. જેની અસરો તમારાં ખિસ્સા પર પડી શકે છે. ટ્રમ્પની ‘દાદાગીરી’નો ભારતીયો ભોગ બની શકે છે !
 
								
								
																
															 
			 
                                 
					
 
                                 
                                 
                
