Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતના વહીવટીતંત્રમાં કેવા પ્રકારના સુધારાઓ કરવામાં આવે તો નાગરિકો સુધી વધુમાં વધુ સુવિધાઓ અને સેવાઓ સરળતાથી પહોંચાડી શકાય- આ બાબતો શોધી કાઢવા માટે સરકારે વહીવટી સુધારણા પંચની રચના કરી છે અને આ પંચના અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા ડો. હસમુખ અઢીયાના વડપણ હેઠળના આ પંચે પોતાની ભલામણોનો પાંચમો અહેવાલ ગઈકાલે CMને સોંપ્યો. આ અહેવાલમાં જણાવાયું છે કે, રાજ્યમાં ડિજિટલ અને ગુડ ગવર્નન્સને સાકાર કરવા ‘નાગરિક દેવો ભવ:’ અભિગમ રાખી વહીવટી સુધારણા પંચે પોતાના પાંચમા અહેવાલમાં સરકારને ભલામણો સોંપી છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર, આ અહેવાલમાં 12 મુખ્ય ભલામણો કરવામાં આવી છે. જો કે, આ યાદીમાં માત્ર 2 ભલામણની જ વિગતો આપવામાં આવી છે. જેમાં એક ભલામણ એ છે કે, એક રાજ્ય-એક પોર્ટલ. જેમાં દરેક નાગરિકને એક જ ડિજિટલ ઈન્ટરફેસથી તમામ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવી. દરેક નાગરિકને યૂઝર ID આપવામાં આવે.
આ ભલામણનો મુખ્ય ફાયદો એ થશે કે, નાગરિકને જુદાં જુદાં સરકારી કામો માટે પોતાની માહિતીઓ અને વિગતો સરકારી વિભાગોને વારંવાર આપવામાંથી છૂટકારો મળશે. કારણ કે, આ પોર્ટલ સાથે નાગરિકનું ડિજી લોકર જોડાયેલું હશે, જેમાં તે નાગરિકની બધી જ માહિતીઓ અગાઉથી જ ઉપલબ્ધ હશે.
આ ઉપરાંત અહેવાલમાં ભલામણ કરવામાં આવી છે કે, વિભાગોએ નાગરિકોની અરજીઓની રાહ જોવાને બદલે નાગરિકોની જરૂરિયાતો અંગે પૂર્વાઅનુમાન કરી, જેતે વિભાગે નાગરિકોને સ્માર્ટ એલર્ટ સિસ્ટમ મારફતે બધી બાબતો સંબંધે સામેથી માર્ગદર્શન આપી નાગરિકો અને સરકારી વિભાગો વચ્ચેનો સંવાદ વધારવાનો રહેશે. નાગરિક કેન્દ્રીત સેવાઓનું વિતરણ, એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ વર્કફલો, અરજીઓ, મંજૂરીઓની પારદર્શકતા વધારવા રિયલ ટાઈમ ઓનલાઈન ડેટા તથા (નાગરિકોના) ઓછાં કાગળો અને (નાગરિકોને) વધુ સુવિધાઓ માટેનીભલામણો આ અહેવાલમાં થઈ છે.


