My samachar.in:-સુરત
છેલ્લા કેટલાક સમયથી રાજ્યના અલગ અલગ શહેરો અને છેક ગ્રામ્ય વિસ્તારો સુધી હનીટ્રેપના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં યુવતીઓ સહિતની ટોળકીઓ મીઠી મીઠી વાતોમાં ફસાવી લાલચ આપીને ટાર્ગેટ બનાવવામાં આવે છે. જે બાદમાં પૈસા ખંખેરી લેવામાં આવે છે. સુરતમાં હનીટ્રેપનો આવો જ વધુ કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે બે મહિલા સહિત કુલ છ લોકોની અટકાયત કરી છે. આરોપીઓએ પીડિત વેપારી પાસેથી 10 હજાર રૂપિયા પડાવી લીધા હતા અને વધુ 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. આ કેસમાં મહિલાએ જે રીતે વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો હતો સુરતના વરાછા મીનીબજાર ખાતે મીરાનગર સોસાયટીમાં વસવાટ કરતા અને ફરસાણની દુકાન ચલાવતા વેપારીને આશરે 15 દિવસ પહેલાં તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો..
મેસેજ મળ્યા બાદ વેપારી યુવકે “HI” લખીને મેસેજ મોકલતા સામે વાળી વ્યક્તિએ પોતાનું નામ ખુશ્બૂ હોવાનું જણાવ્યું હતું.અને બંને વચ્ચે વોટ્સએપ પર નિયમિત વાતચીત થતી હતી. વોટ્સએપ કોલિંગથી પણ તેઓ સંપર્કમાં રહેતા હતા.દરમિયાન ગત તારીખ સાતમી એપ્રિલના રોજ બપોરે યુવતીએ “કોલ મી” નો મેસેજ કર્યો હતો. જેથી વેપારી યુવકએ વોટ્સએપ કોલ કરતા ખુશ્બૂએ નાસ્તો લઇને આવવા કહ્યું હતુ. બપોરે એક વાગ્યે વોઇસ રેકોર્ડિંગ મોકલીને પણ ખુશ્બૂએ નાસ્તો લઇને આવવાની વાત કરી હતી. ખુશ્બૂએ યુવકને ડભોલી રોડ ખાતે મનિષનગર માર્કેટ ખાતે આવી કૉલ કરવાનું કહ્યું હતુ..
યુવતીના મેસેજ બાદ યુવક ખોડિયાનગરથી નાસ્તો લઇ બપોરના બે વાગ્યે મનિષનગર પહોંચ્યા હતા. અહીં યુવતીએ યુવકને ફ્લેટમાં લઇ જઇને સોફા પર બેસાડ્યા હતા. ત્યારબાદ યુવતી ખભે હાથ મૂકીને યુવકને બીજા રૂમમાં લઇ ગઈ હતી. અહીં યુવતીએ પોતાનું સાચું નામ જયશ્રી ઉર્ફે પાયલ રોહિતભાઈ બોરડ હોવાનું જણાવી યુવક સાથે શારીરિક અડપલાં શરૂ કરી દીધા હતા.આ દરમિયાન બે યુવકોએ રૂમમાં ધસી આવ્યા હતા. તેઓએ રૂમમાં ઝઘડો શરૂ કર્યો હતો, બાદમાં વધુ બે યુવકો બે રૂમમાં ઘૂસ્યા હતા. તેઓએ યુવકને એલફેલ બોલી માર માર્યો હતો…
બાદમાં આ ઠગ ટોળકીએ યુવકને બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. જો કેસ ન કરવો હોય તો સમાધાન માટે પૈસાની માંગણી કરી હતી. ડરી ગયેલા યુવકએ તેઓને 10 હજાર રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ આ ગેંગે વધુ રૂપિયા 50 હજારની માંગણી કરી હતી.આ મામલે યુવકે ફરિયાદ આપતા સિંગણપોર પોલીસે ગુનો નોંધી હનીટ્રેપમાં ફસાવનારી ટોળકીના સભ્યો જયશ્રી ઉર્ફે પાયલ, અસ્મિતા, દર્શન, આકાશ, ભોલુ અને રાહુલની અટકાયત કરી હતી. અને વધુ તપાસ શરુ કરી છે.