My samachar.in:-સુરત
જીવ ને જોખમમાં મૂકીને કામ કરતા લોકોને ક્યારેક જીવ ખોવાનો વખત આવતો હોય છે આવી ઘટના સુરતમાં સામે આવી છે, જ્યાં જ્વેલર્સની દુકાનો પાસેના ગટરમાંથી સોનુ મળવાની લાલચમાં આજે પણ અનેક લોકો ગટરમાં ઉતરે છે. આ લાલચમાં સુરતના મહિધરપુરામાં બે યુવાનોના મોત નિપજ્યા છે. બંને યુવકો હીરા અથવા સોનાનો ભૂકો શોધવા ગટરમાં ઉતર્યા હોવાની વાત સામે આવી છે…
અંબાજી રોડ મહાલક્ષ્મીના ખાંચામાં વહેલી સવારે આ ઘટના બની હતી. વહેલી સવારે 4 વાગે ગટરમાં કામ કરતા બે યુવાન ગૂંગળાઈ ગયા હતા. ગૂંગળાઇ જવાના કારણે બંને બેભાન થઈ ગયા હતા. બંનેને ફાયર બ્રિગ્રેડના જવાનોએ ગટરમાંથી બહાર કાઢી સારવાર માટે સ્મીમેર ખસેડ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.જોકે, મૃત બંને યુવકોની ઓળખ હજી થઈ નથી. તેઓ વહેલી સવારે અંબાજી વિસ્તારમાં ગટરનું ઢાંકણુ ખોલીને જાતે જ અંદર ઉતર્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી….
સુરતના અંબાજી રોડ પર અનેક સોનાની દુકાનો અને હીરાના કામકાજ થતા હોય છે. આજે પણ અનેક લોકો માને છે કે દાગીનાની દુકાનોમાં સોનુ ઓગાળ્યાના બાદ તેના ટુકડા અને અંશો ગટરમાં વહી જતા હોય છે. તેથી કેટલાક લોકો તેને કાઢવા આવી દુકાનોની આસપાસની ગટરોમાં ઉતરે છે. આ કામ અત્યંત જોખમી છે. પરંતુ સોનુ મેળવવાની લાલચમાં તેઓ જીવ જોખમમાં મૂકે છે. પરિણામે આજે બે યુવકોએ જીવ ગુમાવ્યો છે.