Mysamachar.in-સુરત:
આજના દોડધામ અને મોંઘવારીના સમયમાં દંપતીઓ પોતે કામ પર જાય ત્યારે તેના નાના માસુમ બાળકોને કોઈ કેર ટેકરના ભરોશે છોડી ને નોકરી કરવા જતા રહે છે, આવા કેર ટેકરમાં અમુક પોતાનું બાળક હોય તેમજ આ બાળકોનો ઉછેર કરે છે, પરંતુ અમુક કેર ટેકર મહિલાઓ એવી હોય છે જે પોતાનો વ્યક્તિગત ગુસ્સો પણ આવા માસુમ ભૂલકાઓ પર ઉતારે છે.સુરતમાં સામેં આવેલ એક ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી દીધી છે,
સુરતના રાંદેર પાલનપુર પાટિયા હિમગિરિ સોસાયટીમાં શિક્ષકના 8 માસના બે ટ્વિન્સ બાળકોને સાચવવા રાખેલી કેરટેકરે વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર કાઢી નાખ્યો હતો. તેણે 5 મિનિટ સુધી એક બાળકને પલંગ પર 4થી 5 વાર પછાડી, કાન આમવી હવામાં ફંગોળી માર માર્યો હતો, જેને કારણે બાળક બેહોશ થઈ ગયું હતું, આથી કેરટેકરે બાળકનાં માતા-પિતાને જાણ કરી હતી. માતા-પિતા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં તેને માથામાં ઈજા થતાં બ્રેન હેમરેજ થયાનું ખૂલ્યું હતું.
ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરાતાં કેરટેકર મહિલા બાળક પર 5 મિનિટ સુધી અત્યાચાર કરતી હોવાના ચોંકાવનારા ફૂટેજ સામે આવ્યા હતા. બાળક રડતું હોવા છતાં કેરટેકરને જરાય દયા આવી ન હતી. આખરે મામલો રાંદેર પોલીસ સ્ટેશનમાં ગયો હતો. બાળકના પિતા મિતેશ પટેલે મોડી રાતે ફરિયાદ આપી છે, જેના આધારે કેરટેકર કોમલ રવિ ચાંદલેકર (રહે, શ્રદ્ધા દીપ સોસા, સિંગણપોર) ની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી છે.પોલીસે જણાવ્યું હતું કે કોમલને સંતાનો નથી, ઉપરથી ઘરનું ટેન્શન હતું, જેથી તેણે બાળક પર ગુસ્સો ઠાલવી તેને પલંગમાં પછાડી, કાન આમળી તેમજ હવામાં ઉછાળી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. માતા-પિતા ઘરેથી નોકરી પર જતાં હતાં ત્યાર પછી બાળકો ખૂબ રડતાં હોય છે એવું સ્થાનિકોએ વાલીને અગાઉ વાત પણ કરી હતી, આથી વાલીએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાડ્યા હતા, જેને કારણે કેરટેકરનો મામલો બહાર આવી ગયો હતો.આમ હવે આ કિસ્સામાં આ મહિલાને કુદરત માફ કરશે ખરા તેવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે.