My Samachar.in : સુરત
ગતરાત્રીના સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી. આગમાં દાઝી જતાં 1 યુવતીનું મોત થયું છે પરંતુ આ આગ એટલી ભયાનક હતી કે, તેના દ્રશ્યો ત્યા હાજર તમામ લોકોને વિચલિત કરી દે તેવા હતા. લોકોની નજર સામે એક મહિલા બસમાં ફસાઈ જતા જીવતી સળગી ગઈ હતી.આ અંગે જે સોશ્યલ મીડિયામાં ગતરાતથી જ ખુબ વિડીયો વાઈરલ થઈ રહ્યા છે અને આ ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી દીધી છે અને આવી લક્ઝરી બસોમાં પણ કેટલી સલામતી તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.
મંગળવારે મોડી રાત્રે એક બસ સૂરતથી ભાવનગર જવા નીકળી હતી. બસની પાછળ રાજધાની લખ્યુ હતું. આ બસ એસી હતી. જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેસ્યા હતા. બસ યોગી ચોક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. બસ ડ્રાઈવરને આ વિશે જાણ થતા જ તેણે બસ ઉભી રાખી હતી. પરંતુ લક્ઝરી બસમાં એસીનું કોમ્પ્રેસર જોતજોતામાં ધડાકાભેર ફાટ્યુ હતુ અને વિકરાળ આગ ફાટી નીકળી હતી.
આ લાગતા જ બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા લોકોમાંથી એક યુવક તો બહાર નીકળી ગયો હતો પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી. આ દ્ર્શ્યો અત્યંત બિહામણા હતા. ત્યા એકઠા થયેલા લોકોએ નજરોનજર મહિલાને ભડભડ સળગતી જોઈ હતી. એકાએક આગ લાગતા આ બોક્સમાં બેઠેલી મહિલાને બસમાંથી ઉતરવાનો સમય જ મળ્યો ન હતો અને તે જોતજોતામાં જ જીવતી સળગી ગઈ હતી. આ મામલે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી FSL ની મદદથી તપાસ શુર કરી છે, તો ફાયર દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે આગનું કારણ જાણવા માટે આ તમામ તપાસ બાદ સાચું કારણ આગનું સામે આવી શકશે.