Mysamachar.in-ગાંધીનગર
સરકાર દ્વારા આર.ટી.ઈ. એકટ 2009ની જોગવાઈનો અમલ કરવાના ભાગરૂપે પ્રાથમિક શાળાઓનો સમય 8 કલાકનો કરવાનો નિર્ણય કરેલ છે. આ કાયદાની અમલવારી ગુજરાતમાં 2010માં કરવામાં આવેલી ત્યારે પણ આ સમય રાખવા અંગે નિર્ણય લેવાયેલો હતો પરંતુ થોડા જ દિવસોમાં આ નિર્ણય સ્થગિત રાખવામાં આવેલો હતો. ત્યારે 11 વર્ષ પછી આ સરકાર દ્વારા ફરી 8 કલાક ફરજીયાત કરવાનો નિર્ણય લેવાયેલો છે અને જે અંગેના પરિપત્ર થઈ ગયેલા છે. આ નિર્ણયનો વિરોધ પણ શિક્ષક સંગઠનોમાં ઉઠયા બાદ કલાકોમાં જ સરકારે આ નિર્ણય પરથી યુ ટન લેવાની ફરજ પડી છે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે કેબીનેટ બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે પ્રાથમિક શિક્ષણ નિયામકે જે શિક્ષકોની 8 કલાકની હાજરીનો પરિપત્ર કર્યો હતો તે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેટલા સમયગાળા દરમિયાન શિક્ષકો સંતોષકારક અને પૂરતા પ્રમાણમાં કામ કરી રહ્યા છે તે પ્રમાણે જ શિક્ષકો કામ કરશે આમ આ થયેલ પરિપત્ર રદ કરવામાં આવ્યાની વાત શિક્ષણમંત્રીએ કરી હતી. મહત્વનું છે કે આ મામલે ગઈકાલે શિક્ષણમંત્રી એ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સરકારના બધા કર્મચારીઓ જયારે 8 કલાક કામ કરતા હોય શિક્ષકો પણ રાજ્ય સરકારના કર્મચારીઓ જ છે તેમ જણાવ્યું છે. અને આજે ગણતરીની કલાકોમાં જ આ નિવેદન પર શિક્ષણમંત્રીએ પ્રતિક્રિયા આપી અને નિર્ણયનો પરિપત્ર રદ કર્યાની જાહેરાત કરી છે.