Mysamachar.in-જામનગર:
દરેક માબાપ પોતાના સંતાનોને, પોતાની ક્ષમતા અનુસાર લાડકોડથી ઉછેરતાં હોય છે, તેનું પોષણ કરતાં હોય છે, સંતાનોની કારકિર્દી ઘડવા પાછળ જહેમત ઉઠાવતાં હોય છે- અને અચાનક, એક સમય એવો આવે કે, તેણે પોતાના લાડકવાયા સંતાનને કાયમ માટે ગુમાવી દેવું પડે ! આ ક્ષણ ભયાનક હોય છે, માબાપ મનોમન ભાંગી પડે છે, પરિવાર પર આભ તૂટી પડતું હોય છે, આ આઘાત જિરવવો કોઈપણ માબાપ માટે અતિશય કઠણ હોય છે. કમનસીબે,સમાજમાં આવા બનાવો બનતાં રહે છે! આવા કરુણ બનાવો ખરેખર તો લાલબતી સાબિત થવા જોઈએ. વાલીઓએ ચેતી જવું જોઈએ, જેથી આવા કાળમુખા બનાવને બનતો અટકાવી શકાય.
તમારું સંતાન નિશાળે નિયમિત જાય છે કે કેમ, તેનો સ્કૂલ કે કોલેજ જવાનો રુટ કયો છે, સ્કૂલ કે કોલેજ આવવા જવાનો સમય નિશ્ચિત છે કે કેમ, તેના મિત્રો કોણ છે, તમારાં સંતાનને મળવા ઘરે કોણ આવે છે, તમારું સંતાન સ્કૂલ કે કોલેજના સમય સિવાયના ટાઈમે કયાં આવજા કરે છે, કોની સાથે સંપર્કમાં રહે છે, તેના ગાઢ સંપર્ક કે સંબંધ પરિવાર સિવાયની કઈ વ્યક્તિ સાથે છે, તમારું સંતાન સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર શું કરે છે, તેમાં કેટલો સમય ખર્ચ કરે છે, સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર તેની રોજિંદી ગતિવિધિઓ શું હોય છે– વગેરે વગેરે ઘણી બધી બાબતો પર દરેક વાલીઓએ કડક વોચ રાખવી અનિવાર્ય બની ગઈ છે, કેમ કે હાલનો સમય સંવેદનશીલ બની ગયો છે, જટિલ બની ગયો છે, સમાજમાં સારપ ઘટી છે અને વ્યસન તથા દૂષણો વધી ગયા છે, જો તમે સંતાનો પ્રત્યે કાળજી ન લો તો, ગમે ત્યારે તમારે છાતી કૂટવી પડે, મોતનો માતમ અને ક્રૂર આઘાત સહન કરવો પડી શકે છે ! આ કડવી અને વરવી હકીકત છે.
જામનગર શહેરમાં તાજેતરમાં ગણતરીના કલાકોમાં આવા બે કરુણ બનાવ ઉપરાઉપરી બની ગયા. બંને ઘટનાઓમાં વાલીઓએ પોતાના જિવથી વ્હાલા સંતાનો ખોઈ દેવા પડ્યા છે. તીવ્ર આઘાત સહન કરવો પડ્યો છે, પરિવારમાં અમંગળના કાળા ઓળાં ઉતર્યા છે. અને, આ વેદના કોઈપણ માબાપને અંદરથી ભાંગી નાંખે તેવી તિક્ષ્ણ હોય છે. સમાજે આ બનાવો પરથી બોધપાઠ લેવો જોઈએ.
વધુ પડતો ભરોસો, ભોળપણ અને બેદરકારીઓ જેવી બાબતોના પરિણામો માઠાં સર્જાય તેવા અઘરા સમયખંડમાં આપણે સૌ જિવી રહ્યા છે. સતર્કતા, સંતાનોની કાળજી અને અને પરિવારના સુખચેનની રક્ષા તથા સલામતી માટે દરેક માબાપે વિશેષ ચિંતિત રહેવું પડે એવો સમય ચાલી રહ્યો છે.
તાજેતરની મોહનનગરની કરુણ ઘટનામાં એક કિશોરની જિંદગી રોળાઈ ગઈ. વાલીઓએ પોતાના સંતાનના મિત્રો અને સંતાનની કાયમી ગતિવિધિઓ પર અગાઉથી વધુ ધ્યાન આપ્યું હોત તો આ માબાપને હૈયાફાટ રુદન કરવાની અમંગળ ક્ષણ ન આવી હોત. પરંતુ વિશ્વાસઘાત ત્યાં જ થતો હોય છે, જયાં અતિ ભરોસો હોય છે, એ હકીકત માબાપ ભૂલી જતાં હોય છે. તમારાં સંતાનના મિત્રો ખુદ, તમારાં સંતાનનો જિવ લઈ શકે છે, એ કાળઝાળ હકીકત આ બનાવમાં જાહેર થઈ ! અને આ દરજી પરિવાર પર વજ્રઘાત થયો. પરિવારનો લાડકવાયો કમકમાટીભર્યા મોતનો કોળિયો બન્યો !!
આવો જ અન્ય એક કારમો અને મનહૂસ બનાવ શહેરના એક આરબ મુસ્લિમ પરિવારમાં બન્યો ! આ પરિવારે પણ પોતાનો વ્હાલસોયો લાડલો અકાળે ગુમાવવો પડ્યો. પોતાનો લાડકવાયો આખો દિવસ શું કરે છે, કયાં આવજા કરે છે, તેની સાથે કોણ,શું, વ્યવહાર વર્તન કરે છે, પોતાના સંતાનની માનસિક હાલત શું છે, તેને પરિવારની બહાર કોઈ દબડાવે કે ધમકાવે છે કે કેમ, પોતાનું સંતાન સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ સાથે કેવી રીતે સંકળાયેલું છે, તેના ફોન કોલ્સની હિસ્ટરી શું છે, તેની દૈનિક ગતિવિધિઓ શું છે– વગેરે વગેરે બાબતો અંગે આ ટીનએજરના માબાપને કશી જાણકારીઓ અગાઉથી ન મળી અને એક મનહૂસ ઘડી એવી આવી કે, આરબ પરિવારના આ મજબૂર લાડલાએ ફાની દુનિયાને કાયમ માટે અલવિદા કહી દેવું પડયું ! અને, મોતની એ કાળી ક્ષણ પહેલાં દુનિયાને સંદેશ આપવો પડ્યો કે, દુવાઓમેં યાદ રખના, ચલતા હૂં ! અને આ મુગ્ધ અને લાચાર ટીનએજએ પાણીમાં મોતની છલાંગ લગાવવી પડી !!
આપણે આપણાં લાડલાઓને કાયમ માટે ગુમાવી બેસીએ- એવી કાળીડિબાંગ ક્ષણ આપણાં તથા આપણાં પરિવાર પર ભૂકંપની માફક ત્રાટકે અને બધું જ વેરણછેરણ તથા વેરવિખેર થઈ જાય, એ પહેલાં આપણે સૌ જો સતર્ક રહીએ, સંતાનોની વિશેષ કાળજી લઈએ, જરૂરી અગમચેતીઓ રાખીએ, આંખ-કાન તથા દિમાગ સતત ખુલ્લાં રાખીએ તો, સંભવ છે કે અનહોનીને હોની બનતી અટકાવી પણ શકીએ.
અન્ય એક મુદ્દો એ છે કે, સમાજના દુશ્મનો અને આવારા તત્વોની સાન ઠેકાણે લાવવા તથા અન્ય આ પ્રકારના સંભવિત બનાવો અટકાવવા તપાસનીશ એજન્સીઓ સહિત સૌએ દાખલારુપ કામગીરીઓ કરી, આવા બનાવો પછી સમાજમાં કાયદાની ધાક બેસાડવા શક્ય બનતું બધું જ કરી છૂટવું જોઈએ.
સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર લોકોનું તથા સરકારનું કડક મોનિટરીંગ આવશ્યક જ નહીં અનિવાર્ય બની ગયું છે અને કેન્દ્ર સરકારે આ મુદ્દે તમામ રાજયોને કડક સૂચનાઓ આપી હોવા છતાં ગુજરાતમાં ગૃહવિભાગ દ્વારા આવું ચુસ્ત મોનિટરીંગ રાખવા હજુ સુધી વિશેષ સેલની રચના કરવામાં આવી નથી- આ ગંભીર બાબત લેખાવી શકાય.
























































