Mysamachar.in-જામનગર:
અક્ષય તૃતીયાના શુભ દિવસે વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા પ્રણામી સંપ્રદાયના ખીજડા મંદિર ખાતે આરોગ્ય કેન્દ્રનો શુભારંભ થયો. આ આરોગ્ય કેન્દ્રમાં એલોપેથિક, આયુર્વેદ, હોમિયોપેથીક, ફિઝિયોથેરાપિસ્ટ, ડેન્ટલ, યોગ સહિતની સારવાર મળી રહે તે હેતુથી એક જ સંકુલમાં બધી સારવાર ઉપલબ્ધ થાય અને દર્દીને સવલત મળે તે હેતુથી વ્યવસ્થા કરવામાં આવી છે.
આરોગ્ય કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો પ.પૂ. આચાર્યશ્રી કૃષ્ણમણીજી મહારાજ, મેયર હસમુખભાઈ જેઠવા, સ્ટે. ચેરમેન સુભાષભાઈ જોશી, સમર્પણ હોસ્પિટલના ટ્રસ્ટી વસ્તાભાઈ, ભાયાભાઈ, ખીજડા મંદિરના ટ્રસ્ટી નવીનભાઈ, ગોપાલભાઈ વસોયા, આયુર્વેદ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડો. અનુપ ઠાકર, સુપર સ્પેશિયાલિસ્ટ ડો. ગૌરવ ગાંધી, ડૉ.જય ભટ્ટ, ડો.મનીષ ભટ્ટ, ડેન્ટલ કોલેજના ડો.નયનાબેન પટેલ, ડો.વસોયા સાહેબ,હોમિયોપેથીક એસોસીએશનના ડો.પિયુષ ભંડેરી, ડો. જોગીન જોષી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું.આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પ્રો.આશર સાહેબ, ડો. જોગીન જોષીએ ઉદબોધન કર્યું હતું,
આરોગ્ય કેન્દ્રમાં સવારે એલોપેથીની ઓ.પી.ડી. અને સાંજે આયુર્વેદ ઓ.પી.ડી.ની સારવાર રોજ મળશે. હોમિયોપેથી ઓ.પી.ડી.ની સારવાર રોજ બપોરે મળશે.ફિઝિયોથેરાપીની સારવાર સવાર-સાંજ રોજ મળશે. સપ્તાહમાં એકવાર અલગ-અલગ નિષ્ણાંત તબીબોની સારવાર મળશે. સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગમાં મહિનામાં એકવાર સુપર સ્પેશિયાલિસ્ટો સેવા આપશે. ગોઠણના સાંધાના અને કરોડરજ્જુના નિષ્ણાંત ડો. સમીર આશર અને ડો.રોમીન સંઘવી સપ્તાહમાં એકવાર તેમની સેવા આપશે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તરફથી દર મહિને એક વખત નિદાન કેમ્પ કરવામાં આવશે અને રિસર્ચ કાર્યમાં સહયોગ મળશે. પરમપૂજ્ય આચાર્ય મહારાજ દ્વારા મેનેજમેન્ટ કમિટીની રચના કરવામાં આવશે જેમાં સ્વામી લક્ષ્મણદેવ મહારાજ, ડો.જોગીન જોષી, ડો.મનીષ ભટ્ટ, ડો.પંડ્યાસાહેબનો સમાવેશ થાય છે.