Mysamachar.in: ભાવનગર
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભયાનક અકસ્માતો જાણે કે, રોજિંદી બાબત બની ગઈ છે. અમુક કલાકોની ‘અરેરાટી’ બાદ સંબંધિત પરિવારો સિવાય સૌ અકસ્માતોને જાણે કે ભૂલી જાય છે, નવો કોઈ અકસ્માત ન સર્જાય ત્યાં સુધી. ખુદ કેન્દ્રીય પરિવહન મંત્રી પણ કહે છે કે, આ કારણથી વૈશ્વિક મંચો પર હું કોઈને મોઢું દેખાડી શકતો નથી. કારણ કે, આપણો આ રેકોર્ડ અતિ ખરાબ છે.
સૌરાષ્ટ્રમાં વધુ એક ઘાતક અકસ્માત ત્રાપજ નજીક સર્જાયો. સુરતથી રાજુલા તરફ જતી ટ્રાવેલ્સની એક બસ રોડ પર ઉભેલાં એક ડમ્પરમાં પાછળથી ઘૂસી ગઈ. આ ભયંકર અકસ્માતમાં 6 જિંદગીઓ કાળનો કોળિયો બની ગઈ. મૃતકોનો આંકડો મોટો પણ થઈ શકે છે, 20 જેટલાં લોકોને આ અકસ્માતમાં ઈજાઓ પહોંચી છે.

એક ડમ્પર રોડની સાઈડ પર ઉભું હતું. પાછળથી ધસમસતી આવતી આ ખાનગી બસ ડમ્પરમાં ઘૂસી ગઈ. ડ્રાઇવરની ઘોર બેદરકારીએ 6 જિંદગીઓ ઝૂંટવી લીધી. અત્રે ઉલ્લેખનિય છે કે, ઘણી ખાનગી બસોના ડ્રાઇવર અણઘડ, તોરી મગજના અથવા નશો કરવાની ટેવવાળા હોય છે. આ મુદ્દે ટ્રાવેલ્સ કંપનીઓને આકરી શિક્ષા થવી જોઈએ. કારણ કે, આ અતિશય ગંભીર અને સંવેદનશીલ મામલો છે, લાખો લોકોની જિંદગીઓનો સવાલ છે. પરિવહનમંત્રી માત્ર દિલસોજી વ્યક્ત કરે, એથી પણ આગળ કોઈ નક્કર પગલાંઓ લેવાઈ તે અનિવાર્ય છે.
અકસ્માત સર્જનાર આ ખાનગી બસ એપલ ટ્રાવેલ્સની છે. અડધી લકઝરી બસનો કચ્ચરઘાણ નીકળી ગયો. કલ્પના કરો, બસની અનિયંત્રિત ગતિ કેટલી ખોફનાક હશે. લાખો લોકો એવો અહેસાસ વ્યક્ત કરી રહ્યા છે કે, અકસ્માતો ઘટાડવા કોઈ પણ સ્તરે કોઈ પણ પ્રકારની કામગીરીઓ કે કાર્યવાહીઓ નથી થતી- આ એક મોટી કમનસીબી છે.