mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગુજરાત સહિત દેશભરમાં બેરોજગારોને રોજગારી આપવાના મામલે સરકાર દ્વારા મસમોટા દાવાઑ તો કરવામાં આવી રહ્યા છે,પરંતુ વાસ્તવિક ચિત્ર કઈક જુદુ જ છે.કારમી મોંઘવારી વચ્ચે શિક્ષિત યુવાનોને રોજગારી મેળવવા માટે દર-દરની ઠોકરો ખાવી પડે છે,તેવામાં બેકારીથી કંટાળીને જામનગરના યુવકે આપઘાત કરી લીધાનો બનાવ તાજો છે,ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામે રહેતા વધુ એક યુવાને બેકારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામે રહેતા હુસેન સિદ્દીક બુખારી ડ્રાઇવિંગનો ધંધો કરતાં હોય,પરંતુ છેલ્લા ૮ માસથી ડ્રાઇવિંગ માટે કોઈ કામ મળતું ન હોય,જેથી ઘરમાં છેલ્લા એક માસથી ગુમસુમ રહેતા હતા અને કામ ધંધો ન મળતા ઘરની બહાર પણ નીકળતા ન હતા અને કોઈ કામ-ધંધો ન મળવાના કારણે મનમાં લાગી આવતા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીંદગીનો અંત આણ્યો હતો.આ અંગે મીઠાપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આમ એક બાજુ દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત ગુજરાતમાં પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોના આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે,ત્યારે કારમી મોંઘવારી વચ્ચે બેકારીથી કંટાળીને યુવકો દ્વારા આપઘાત કરવા તરફ પગલું ભરી રહ્યા હોવાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે, જેથી રોજગારી આપવા મામલે સરકારે ચિંતા કરે તેવું જાણકારો માની રહ્યા છે.