Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં કુલ ત્રણ ગ્રામ પંચાયતોમાં વાર્ષિક બજેટ મંજૂર ન થતાં આખરી ઉપાય તરીકે રાજ્યનાં વિકાસ કમિશનર દ્વારા આ પંચાયતોને સુપરસીડ કરવામાં આવી છે. એટલે કે, જનપ્રતિનિધિઓને ઘરે બેસાડી, વહીવટદાર નામનાં અધિકારીઓને સમગ્ર સંચાલન સોંપી આપવામાં આવ્યું છે.જામનગર જિલ્લા પંચાયત વર્તુળોએ જણાવ્યું છે કે,
જામનગર તાલુકાની બે ગ્રામ પંચાયતો ખીમરાણા અને ખારાવેઢામાં તથા જોડિયા તાલુકાની હડિયાણા ગ્રામ પંચાયતમાં શાસકો સંબંધિત પંચાયતોમાં વાર્ષિક બજેટ મંજૂર ન કરાવી શકતાં, વિકાસ કમિશનરે સુનાવણી દરમિયાન પંચાયતોને સમાધાનની તકો પણ આપી હતી તે પછી પણ સભ્યોમાં એકમતી ન થતાં આખરી ઉપાય તરીકે સરકારે આ ત્રણેય પંચાયતોનુ વિસર્જન કરી વહીવટદારોને સતા સોંપી દીધી છે. ખીમરાણામાં વહીવટદાર તરીકે વિસ્તરણ અધિકારી પી.આર.ભંડેરી, ખારાવેઢામાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એસ.કે.જાડેજા તથા હડિયાણામાં વહીવટદાર તરીકે વિસ્તરણ અધિકારી જી પી ગઢિયાને જવાબદારીઓ સોંપવામાં આવી છે.