Mysamachar.in-જામનગર
12-જામનગર લોકસભા બેઠકના સમગ્ર સંસદીય મતવિસ્તારમાં સરેરાશ જૂઓ તો મતદાનનો ટ્રેન્ડ જાણે કે લોકોમાં ઉમંગ નથી, તેવો બહાર આવ્યો છે, જેને કારણે સૌના મુખ પર અચરજ છે. આજે સવારની પ્રથમ ચાર કલાકની માફક બપોરે 11 થી 1 વચ્ચે પણ મતદાન એકદમ સામાન્ય રહ્યું હતું. સરેરાશ જોઈએ તો, એક વાગ્યા સુધીની 6 કલાકમાં 54.54 ટકા મતદાન અપેક્ષિત હોય છે તેની સામે સવારે 7 થી બપોરના 1 વાગ્યા સુધીની 6 કલાકમાં લોકસભા બેઠક પર સરેરાશ મતદાન માત્ર 34.62 ટકા નોંધાયું. આ 6 કલાક દરમિયાન સૌથી વધુ મતદાન જામનગર ગ્રામ્ય વિધાનસભામાં 37.27 ટકા અને સૌથી ઓછું મતદાન દ્વારકા વિધાનસભામાં 31.46 ટકા મતદાન થયું. કાલાવડ વિધાનસભામાં 36.48 ટકા, જામનગર ઉત્તર વિધાનસભામાં 35.07 ટકા, જામનગર દક્ષિણ વિધાનસભામાં 33.23 ટકા, જામજોધપુર વિધાનસભામાં 35.67 ટકા અને ખંભાળિયા વિધાનસભામાં 33.86 ટકા મતદાન બપોરે 1 વાગ્યા સુધીમાં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું
સવારના 7 વાગ્યે આજે મતદાનનો પ્રારંભ થયો ત્યારે શરૂઆતમાં એમ લાગતું હતું કે, આકરાં તાપથી બચવા મતદારો 7 થી 11 ની 4 કલાકમાં મતદાન મથકો પર ઉમટી પડશે, ઠંડકના વાતાવરણમાં ચિક્કાર મતદાન કરશે. પરંતુ સૌની આ માન્યતા ખોટી પડી. આ ઠંડકની ચાર કલાકમાં પણ મોટાભાગના મતદારો ઉદાસીન રહ્યા. વધુ મતદાનની અપીલોની જાણે કે, મતદાતાઓ પર કોઈ અસર નહીં, એવું વાતાવરણ જોવા મળેલ અને પ્રથમ ચાર કલાકના મતદાનના આંકડાઓ પણ વાતાવરણ મુજબ જ નિરસ રહ્યા.
મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 છે, એટલે કે 11 કલાક, એટલે કે 660 મિનિટ. સરેરાશ જોઈએ તો, 660 મિનિટમાં 100 ટકા મતદાન લેખે દર કલાકે એટલે કે દર 60 મિનિટે સરેરાશ 9.09 ટકા મતદાનની અપેક્ષાઓ રાખી શકાય. આ હિસાબે પ્રથમ 4 કલાકની 240 મિનિટ દરમિયાન સમગ્ર સંસદીય મતવિસ્તારમાં સરેરાશ 36.36 ટકા મતદાન થઈ શકે, તેની સામે આ 240 મિનિટ દરમિયાન જામનગર લોકસભા બેઠક પર સરેરાશ મતદાન 20.85 ટકા રહ્યું. જે 36.36 ટકાથી ઘણું ઓછું કહેવાય. એમાંયે દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં તો આ 4 કલાક દરમિયાન માત્ર 11.69 ટકા મતદાન થયું. તેની સામે કાલાવડમાં આ સમયગાળા દરમિયાન સરેરાશ મતદાન 26.43 ટકા રહ્યું. જે પણ દસેક ટકા ઓછું કહી શકાય.
આ 4 કલાક દરમિયાન જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં 23.72 ટકા, જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં 21.31 ટકા, જામનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાં 19.83 ટકા, જામજોધપુર વિધાનસભા મતવિસ્તારમાં સરેરાશ મતદાન 23.77 ટકા અને ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં આ 4 કલાક દરમિયાન સરેરાશ મતદાન 21.25 ટકા નોંધાયું. કયાંય 30-35 ટકા મતદાન થયું નહીં, જે દર્શાવે છે કે, પ્રથમ 4 કલાકમાં મતદાનનો ટ્રેન્ડ ઉત્સાહપૂર્ણ રહેવા પામ્યો નથી.