Mysamachar.in:જામનગર:
સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો સમાજમાં પ્રભાવ વધતાં ફેક એકાઉન્ટના સમાચારો વારંવાર જાહેર થતાં રહે છે. આવા બનાવટી એકાઉન્ટમાં નાણાંકીય લેતીદેતીઓ ન કરવી એવી અપીલો પણ થતી રહે છે, જામનગરમાં પણ થોડાં થોડાં સમયે ફેક એકાઉન્ટની વાતું થતી રહે છે, જેમાં કોઈ કસૂરવાર ઝડપાઈ જતાં નથી અને સાઈબર ક્રાઈમ કોઈ ઝડપાઈ જતું હોય ત્યારે વાહ વાહ લુટતું રહે છે અને આવા ફેક પ્રોફાઇલની વાર્તાઓ 24-36 કે 48 કલાકમાં લોકો આવી વાતું ભૂલી જતાં હોય છે, આવી હાલત વચ્ચે જામનગરમાં વધુ એક વખત એવું જાહેર થયું કે, એક ફેક ફેસબુક પ્રોફાઇલ બની છે, આ વખતે એક વરિષ્ઠ નેતાની ફેક પ્રોફાઇલ બની છે.
રાજ્યના કેબિનેટમંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે, કોઈ શખ્સે એમના નામથી ફેક ફેસબુક પ્રોફાઇલ બનાવી છે. રાઘવજીભાઈએ જણાવ્યું છે કે, આ ફેસબુક પ્રોફાઇલ ફેક હોવાથી કોઈએ પણ આ એકાઉન્ટનો સંપર્ક સાધવો નહીં, મેસેજ કરવા નહીં અને કોઈ પણ પ્રકારના વ્યવહારની આપ-લે કરવી નહીં. લોકોએ આ પ્રોફાઇલને રિપોર્ટ અથવા રિપોર્ટ સ્પામ કરશો, એમ આ જાહેર અપીલમાં જણાવાયું છે.