Mysamachar.in-જામનગર:
ગત્ 16 માર્ચે લોકસભા ચૂંટણીઓની જાહેરાત સાથે જ આચારસંહિતા અમલમાં આવતાં જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચૂંટણીઓ ચૂંટણીઓ થતું હતું. આખરે કાલે 7 મે એ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું. હવે 4 જૂને મતગણતરી હોય, ત્યાં સુધી બધે જ અનુમાનોના ઘોડા દોડશે અને દાવાઓ તથા પ્રતિદાવાઓ થતાં રહેશે. જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભાના મતવિસ્તારોમાં કુલ 10,48,291 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જો કે નોંધાયેલા કુલ મતદારોની સંખ્યા 18.17 લાખ કરતાં વધુ હોવા છતાં મતદાન 60 ટકા સુધી પણ પહોંચી શક્યું નહીં.
જામનગર ચૂંટણીતંત્રએ આજે સવારે, કાલના કુલ મતદાનના આંકડાઓ જાહેર કર્યા. જેમાં દર્શાવ્યા મુજબ, સમગ્ર સંસદીય મતવિસ્તારમાં 57.67 ટકા મતદાન નોંધાયું છે. કુલ મતદારોની સંખ્યા ગત્ ચૂંટણીઓ કરતાં વધી હોવાથી કુલ મતદાનનો આંકડો મોટો દેખાઈ રહ્યો છે. મતદાનની ટકાવારી ઘટી છે.
2019ની લોકસભા ચૂંટણીઓમાં જામનગર લોકસભા બેઠક પર કુલ 16,56,006 મતદારો નોંધાયેલા હતાં. જે પૈકી 10,05,252 મતદારોએ મતદાન કર્યું હતું. એ મતદાન 60.70 ટકા રહ્યું હતું. આ વખતે 2024માં કુલ મતદારોની સંખ્યા 18,17,864 છે, જે પૈકી 10,48,291 મતદારોએ મતદાન કરતાં મતદાનની સરેરાશ ટકાવારી 57.67 ટકા રહી છે. આમ ગત્ ચૂંટણીઓ કરતાં આ વખતે મતદાન 03.03 ટકા ઘટ્યું છે.
જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાતેય વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલા કાલના મતદાનના આંકડાઓ આ મુજબ છે. 76-કાલાવડ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,31,328 મતદારો પૈકી કુલ 1,33,436 મતદારોએ મત આપ્યો. જે 57.68 ટકા મતદાન છે. 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલા કુલ 2,57,687 મતદારો પૈકી 1,56,610 મતદારોએ મતદાન કર્યું. જે 60.78 ટકા છે. 78-જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં કુલ નોંધાયેલા મતદારો 2,71,560 છે, જે પૈકી 1,61,150 મતદારોએ મતદાન કર્યું. જે 59.34 ટકા છે.
79-જામનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલા કુલ મતદારોની સંખ્યા 2,29,732 છે, જે પૈકી 1,35,830 મતદારોએ મતદાન કર્યું, જે 59.13 ટકા છે. 80-જામજોધપુર વિધાનસભા મતવિસ્તારમાં કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા 2,27,399 છે, જે પૈકી 1,31,087 મતદારોએ મતદાન કર્યું. જે 57.65 ટકા છે. 81-ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલા કુલ મતદારોની સંખ્યા 3,05,059 છે. જે પૈકી 1,72,413 મતદારોએ મતદાન કર્યું. જે 56.52 ટકા છે. અને, 82-દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલા કુલ મતદારોની સંખ્યા 2,95,099 છે જે પૈકી 1,57,765 મતદારોએ મતદાન કર્યું. જે 53.46 ટકા છે. સાતેય બેઠકની મતદાનની સરેરાશ ટકાવારી 57.67 ટકા રહી છે.
12-જામનગર લોકસભા બેઠક પર તા.7 મે ના રોજ યોજવામાં આવેલ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઇ છે. 12-જામનગર લોકસભા બેઠક પર કુલ 57.67% મતદાન નોંધાયું છે. દિવસભરનું જોવામાં આવે તો સવારે 7:00 થી 9:00 દરમિયાન 8.88%, 7:00 થી 11:00 દરમિયાન 20.85%, 7:00 થી 1:00 દરમિયાન 34.62%, 7:00 થી 3:00 વાગ્યા દરમિયાન 42.52%, 7:00 થી 5:00 દરમિયાન 52.36% મતદાન નોંધાયું હતું. અને સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધીમાં કુલ મતદાન 57.67 ટકા નોંધાયું છે.